Adani Group: યૂપીઆઇ અને ઇ-કૉમર્સ બિઝનેસમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં અદાણી ગૃપ, ગૂગલ-રિલાયન્સને આપશે ટક્કર
Adani One: અદાણી ગૃપે (Adani Group) ગૂગલ (Google), ફોનપે (PhonePe) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ધબકારા વધારવાની તૈયારી કરી લીધી છે
Adani One: અદાણી ગૃપે (Adani Group) ગૂગલ (Google), ફોનપે (PhonePe) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ધબકારા વધારવાની તૈયારી કરી લીધી છે. અદાણી ગૃપ પણ હવે ટૂંક સમયમાં જ ઈ-કોમર્સ અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઝંપલાવશે. તેને UPI લાયસન્સ, ક્રેડિટ કાર્ડ અને ONDC દ્વારા ઓનલાઈન શૉપિંગ ક્ષેત્રમાં એન્ટ્રી કરવાની યોજના બનાવી લીધી છે. આ સર્વિસ અદાણી વન એપ દ્વારા શરૂ કરવામાં આવશે.
ડિજીટલ પેમેન્ટ અને ઇ-કૉમર્સ સેક્ટરમાં સંભાવનાઓ શોધી રહ્યાં છે -
ફાઈનાન્શિયલ ટાઈમ્સે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે અદાણી ગૃપ ડિજિટલ પેમેન્ટ અને ઈ-કોમર્સ સેક્ટરમાં શક્યતાઓની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. તે પોતાની UPI સર્વિસ શરૂ કરવા માંગે છે. આ ઉપરાંત તે ઘણી બેંકો સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ શરૂ કરવા અંગે પણ ચર્ચા કરી રહ્યો છે. કંપનીની નજર ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર પણ છે. તે ઓએનડીસી દ્વારા ઓનલાઈન શોપિંગ ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે. ONDC ને ભારત સરકારનું સમર્થન છે. તે ઝડપથી આગળ વધી રહ્યું છે.
અદાણી વન ગૃપ દ્વારા આપવામાં આવશે સર્વિસીઝ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો અદાણી ગૃપને મંજૂરી મળે છે તો કંપનીની કન્ઝ્યૂમર એપ અદાણી વન દ્વારા UPI અને ઈ-કોમર્સ સેવાઓનો લાભ લઈ શકાશે. આ એપ વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવી હતી. તે હાલમાં હૉટેલ અને ફ્લાઇટ બુકિંગ જેવી સર્વિસ પૂરી પાડે છે. અદાણી ગૃપ શરૂઆતમાં તેના વર્તમાન ગ્રાહકોને નવી સેવાઓનો લાભ આપશે. આ પછી, અદાણી ગૃપ દ્વારા સંચાલિત એરપોર્ટ, ગેસ અને વીજળી સેવાઓ સાથે સંબંધિત ગ્રાહકોને જોડવાના પ્રયાસો પણ કરવામાં આવશે. તેમને ચૂકવણી પર લૉયલ્ટી પોઈન્ટ આપી શકાય છે. તેઓ તેનો ઉપયોગ ઓનલાઈન શૉપિંગ અને ડ્યુટી ફ્રી ખરીદી દરમિયાન કરી શકશે.
કસ્ટમરથી સીધા જોડાયેલા બિઝનેસમાં આવવા માંગે છે ગૌતમ અદાણી
આના કારણે ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગૃપ પહેલેથી જ અસ્તિત્વમાં રહેલા ગ્રાહક આધારનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. સૂત્રોએ જણાવ્યું કે અદાણી ગ્રૂપ તેની આગેવાની હેઠળના મીડિયા પ્લેટફોર્મને પણ તેની એપ પર લાવવા જઈ રહ્યું છે. બંદરો, એરપોર્ટ અને પાવર પ્લાન્ટ્સ જેવા વ્યવસાયો સાથે, અદાણી ગૃપ હવે એવા વ્યવસાયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જ્યાં તેનું ગ્રાહક સાથે સીધું જોડાણ હોય.