(Source: ECI/ABP News/ABP Majha)
Adani Group Stocks: અદાણી ગ્રૂપના શેરમાં મોટા કડાકા બાદ ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયા
અદાણી વિલ્મરના શેરમાં 5 ટકાનો ઘટાડો થયો હતો અને તે પછી શેરમાં નીચી સર્કિટને કારણે ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું.
Adani Group Stocks: ઓક્ટોબર મહિનાનું પ્રથમ ટ્રેડિંગ સત્ર અદાણી ગ્રૂપની કંપનીઓના શેર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. અદાણી ગ્રુપના તમામ લિસ્ટેડ શેર ઘટાડા સાથે બંધ થયા હતા. સૌથી મોટો ઘટાડો અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં જોવા મળ્યો છે. અદાણી પાવર, અદાણી વિલ્મરના શેરમાં ઘટાડા બાદ નીચલી લાગી હતી.
અદાણી ગ્રુપના શેરમાં કડાકો
ગઈકાલના ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી ઇન્ડેક્સમાં સમાવિષ્ટ અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં કડાકો બોલી ગયો હતો. શેર એક તબક્કે 10 ટકા નીચે હતો. જોકે, બજારમાં થોડી રીકવરી આવ્યા બાદ શેર 8.64 ટકાના ઘટાડા સાથે રૂ. 3157 પર બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 8.26 ટકા ઘટીને રૂ.2074 પર બંધ થયો હતો. અદાણી ટોટલ ગેસ 7.16 ટકા, અદાણી પોર્ટ્સ 4.42 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5.05 ટકા ઘટીને બંધ થયા છે.
અદાણી વિલ્મર અને પાવરમાં લોઅર સર્કિટ
અદાણી વિલ્મરના શેરમાં 5 ટકાનો ઘટાડો થયો હતો અને તે પછી શેરમાં નીચી સર્કિટને કારણે ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મર આ વર્ષે શેરબજારમાં લિસ્ટ થયા હતા અને આ શેરે તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. અદાણી પાવરનો શેર પણ 5 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો અને આ શેરમાં પણ લોઅર સર્કિટ લાગી હતી.
ચોથા નંબરે ગૌતમ અદાણી
વિશ્વના અમીરોની યાદીમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી તેમના શેરમાં ભારે ઘટાડા બાદ ચોથા સ્થાને આવી ગયા છે. 130 બિલિયન ડોલરની નેટવર્થ સાથે તે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નીચે આવી ગયો છે. તેના શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા હતા.
ગૌતમ અદાણી અને જેફ બેઝોસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે
નોંધનીય છે કે અદાણી ગ્રુપના સ્ટોકમાં શાનદાર તેજી હતી ત્યારે ગૌતમ અદાણી તાજેતરમાં જ એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને અમીરોની યાદીમાં બીજા ક્રમે આવ્યા હતા અને આવું કરનાર પ્રથમ એશિયન અને ભારતીય વ્યક્તિ બન્યા હતા. જો કે બાદમાં અદાણીના સ્ટોકમાં કડાકો બોલતા જેભ પેઝોસ ફરીવાર બીજા સ્થાને આવી ગયા છે અને ગૌતમ અદાણી ચોથા સ્થાને સરકી ગયા છે. જો કે આ આખા વર્ષની વાત કરીએ તો ગૌતમ અદાણીની નેટવર્થમાં $58.5 બિલિયનનો વધારો થયો છે જ્યારે બેઝોસની નેટવર્થમાં $54.3 બિલિયનનો ઘટાડો થયો છે.