માઇક્રોસોફ્ટ બાદ હવે અમેઝોનમાં છટણી, આ વિભાગમાંથી 100 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડાશે
માઈક્રોસોફ્ટ પછી હવે અમેઝોને પણ તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે
માઈક્રોસોફ્ટ પછી હવે અમેઝોને પણ તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઈ-કોમર્સ જાયન્ટ અમેઝોને તેના ડિવાઇસ અને સર્વિસ યુનિટમાંથી લગભગ 100 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ પાછળ કંપનીનો તર્ક એ છે કે કંપનીની કાર્યક્ષમતા વધારવા અને ઉત્પાદન રોડ મેપ સાથે સુસંગત થવા માટે આ પગલું જરૂરી હતું.
છટણી અંગે અમેઝોનનું નિવેદન
અમેઝોન દ્વારા કરવામાં આવેલી આ છટણી અંગે કંપનીના પ્રવક્તા ક્રિસ્ટી શ્મિટ કહે છે કે અમે આ નિર્ણયોને હળવાશથી લેતા નથી અને અમે પ્રભાવિત કર્મચારીઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા તેઓ કિન્ડલ ઈ-રીડર્સ, રીંગ વિડીયો ડોરબેલ્સ અને એલેક્સા વોઈસ આસિસ્ટન્ટ જેવા ઉત્પાદનો પર કામ કરતા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે અમેઝોન તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં વ્યસ્ત છે. જોકે, અમેઝોને એ જણાવ્યું નથી કે છટણી કયા ચોક્કસ પ્રદેશોને અસર કરશે.
સૌથી મોટી છટણી વર્ષ 2022માં થઈ હતી
અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડી જેસીએ વર્ષ 2022માં સૌથી મોટી છટણી કરી હતી. તે સમયે લગભગ 27,000 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારથી અમેઝોને તેના કર્મચારીઓને ઘણી વખત કાઢી મૂક્યા છે. 31 માર્ચ સુધીમાં અમેઝોનમાં 15.6 લાખ ફૂલ અને પાર્ટ ટાઇમ કર્મચારીઓ હતા.
નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના
એક તરફ અમેઝોન કંપની કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે કંપની ભરતીનું પણ આયોજન કરી રહી છે. જે દર્શાવે છે કે કંપની તેની વ્યૂહરચનામાં ફેરફાર કરી રહી છે, સંપૂર્ણપણે પીછેહઠ કરી રહી નથી. કંપની કહે છે કે તે પ્રભાવિત કર્મચારીઓને સહાય પૂરી પાડશે, જેમાં નાણાકીય સહાય, લાભો અને નોકરી-સ્થાનાંતરણ સહાયનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે માઇક્રોસોફ્ટે મંગળવારે કહ્યું હતું કે તે મેનેજમેન્ટ સ્તર ઘટાડવા માટે લગભગ 6,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આનો અર્થ એ થયો કે કંપનીના કુલ કર્મચારીઓમાંથી લગભગ 3 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. આમાં તમામ સ્તરના કર્મચારીઓ સામેલ થશે અને કંપની પર તેની વ્યાપક અસર પડશે. આ પહેલા વર્ષ 2023માં માઇક્રોસોફ્ટે સૌથી મોટી છટણી કરી હતી અને 10 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તે પછી આ બીજી સૌથી મોટી છટણી છે.





















