અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
ED એ અનિલ અંબાણીને એક નવું સમન્સ મોકલ્યું છે, જેમાં તેમને 17 નવેમ્બરે ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED FEMA હેઠળ કાર્યવાહી કરી શકે છે.

જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ વર્ચ્યુઅલી હાજર થવાની અરજીને નકારી કાઢી છે. અનિલ અંબાણી શુક્રવાર, 14 નવેમ્બરના રોજ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ અનિલ અંબાણીને નવું સમન્સ મોકવ્યું છે.
આ અંતર્ગત, અનિલ અંબાણીએ 17 નવેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવું પડશે. ED અનિલ અંબાણી સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું હોવાનું કહેવાય છે. તેમને 14 નવેમ્બરના રોજ દિલ્હીના મુખ્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
આ મામલો શું છે?
પીટીઆઈના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, આ તપાસ જયપુર રિંગાસ હાઇવે પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. EDને શંકા છે કે આ પ્રોજેક્ટ સાથે સંબંધિત હવાલા વ્યવહારો દ્વારા આશરે ₹100 કરોડ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એજન્સીએ આ સંદર્ભમાં ઘણા હવાલા ડીલરો અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી છે.
આ પછી, અનિલ અંબાણીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
ED એ ₹7,500 કરોડની સંપત્તિ જપ્ત કરી
તાજેતરમાં, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અંબાણી અને તેમની કંપનીઓની આશરે ₹7,500 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ED એ અહેવાલ આપ્યો હતો કે જયપુર-રિંગાસ હાઇવે પ્રોજેક્ટમાં આશરે ₹40 કરોડની ગેરરીતિઓ મળી આવી હતી, અને FEMA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ED એ વધુમાં ખુલાસો કર્યો હતો કે આ નાણાં સુરત સ્થિત શેલ કંપનીઓ દ્વારા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેનાથી ₹600 કરોડથી વધુ મૂલ્યના મોટા આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
ED સતત કાર્યવાહી કરી રહ્યું છે.
તાજેતરમાં, ED એ અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. રિલાયન્સ પાવર કંપની દ્વારા ₹68 કરોડની કથિત છેતરપિંડીવાળી બેંક ગેરંટી અંગે તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ ધરપકડ કરવામાં આવી છે.





















