મેહુલ ચોકસી ગર્લફ્રેન્ડ સાથે જલસા કરવા ડોમિનિકા ગયેલો ને ઝડપાઈ ગયો ? કોણ છે અબજોના કૌભાંડી ચોકસીની ગર્લફ્રેન્ડ ?
એન્ટીગાના પોલીસ વડા એટલી રોડનીએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીનું અપહરણ થયું હોવાના, તેની સાથે મારામારી થઈ હોવાના તેમજ તેને બળજબરીથી ડોમિનિકા લઈ જવાયો હોવાના કોઈ પુરાવા નથી.
નવી દિલ્લીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડથી વધુની છેતરપિંડીના કૌભાંડના આરોપી ભાગેડુ ડાયમંડ બિઝનેસમેન મેહુલ ચોક્સીને ભારત લવાશે કે નહીં એ મુદ્દે અવઢવ છે. ચોકસીને ટૂંક સમયમાં ભારત લાવવા કેન્દ્ર સરકાર જોરદાર પ્રયાસો કરી રહી છે અને બીજી તરફ ચોકસીના વકીલો તેને ભારત ના મોકલાય એ માટે મથી રહ્યા છે.
મેહુલ ચોક્સી હાલ ડોમિનિકાની જેલમાં કેદ છે. ભારતે ડોમિનિકા સમક્ષ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માગણી કરી છે અને તેને લેવા માટે પ્રત્યાર્પણના દસ્તાવેજો સાથે એક ખાનગી વિમાન ડોમિનિકા પહોંચી ગયું છે.
દરમિયાનમાં ચોક્સીના વકીલે દાવો કર્યો છે કે 23 મે, 2021ના રોજ એન્ટીગાના જોલી હાર્બર પરથી એન્ટીગન અને ભારતીય પોલીસ જેવા દેખાતા માણસોએ ચોકસીનું અપહરણ કર્યું હતું. તેની સાથે મારપીટ કરી હતી અને તેને ડોમિનિકા લઈ ગયા પછી ડોમિનિકામાં તેની ધરપકડ કરાઈ હતી. મેહુલ ચોક્સી ડોમિનિકાની જેલમાં હોવાની તસવીરો વાઈરલ થઈ તેમાં તેની એક આંખ લાલ થઈ ગઈ છે અને તેના હાથ પર માર પડયો હોવાના ઉઝરડાના નિશાન છે.
આ ઘટનાક્રમ વચ્ચે એન્ટીગાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ રસપ્રદ નિવેદન કર્યું છે. બ્રાઉનીએ કહ્યું કે, ચોકસીએ એન્ટિગાથી બહાર જઈને ભૂલ કરી છે. ચોકસી કદાચ પોતાની ગર્લફ્રેન્ડ સાથે સારો સમય પસાર કરવા માટે ડોમિનિકા ગયો હતો અને ત્યાં તેની ધરપકડ કરી લેવાઈ છે. બ્રાઉનીના કહેવા પ્રમાણે, ચોકસી પોતાની ગર્લફ્રેન્ડને લઈને રોમાન્ટિક ટ્રીપ પર ડોમિનિકા ગયો હોવાની શક્યતા છે. ચોકસી ગર્લફ્રેન્ડને ડિનર પર કે જલસા કરવા લઈ ગયો હશે ને ડોમિનિકામાં ઝડપાઈ ગયો. આ દાવાના પગલે ચોકસીની ગર્લફ્રેન્ડ કોણ છે એ સવાલ ચર્ચાઈ રહ્યો છે.
એન્ટીગાના પોલીસ વડા એટલી રોડનીએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીનું અપહરણ થયું હોવાના, તેની સાથે મારામારી થઈ હોવાના તેમજ તેને બળજબરીથી ડોમિનિકા લઈ જવાયો હોવાના કોઈ પુરાવા નથી. માત્ર ચોક્સીના વકીલ તેનું અપહરણ થયું હોવાનો અને તેની મારપીટ થઈ હોવાનો દાવો કરી રહ્યા છે.