ખાનગીકરણ વિરૂદ્ધ આજે 10 લાખ બેંક કર્મચારી હડતાળ પર, મજૂર સંગઠન અને ખેડૂતોનું પણ પ્રદર્શન
ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મુજબ અત્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોના હાથમાં તેમની મૂડી હોવાથી પ્રજા શાંતિથી ઊંઘી શકે છે.
સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. 9 બેંક યુનિયનોએ હડતાળને સમર્થન જાહેર કર્યું છે. જેને પગલે આજે અને આવતીકાલે દેશભરની બેંકોમાં કામકાજ ખોરવાઈ જશે.
ઓલ ઈંડિયા બેંક એમ્પલોઈઝ એસોસિએશનના દાવા મુજબ 10 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાશે. આ હડતાલમાં જાહેર ક્ષેત્રની સાથે સાથે ગ્રામીણ બેંકો પણ સામેલ થશે. સરકાર બૅન્કોનું ખાનગીકરણ કરશે તો બૅન્કોમાં પડેલી 146 લાખ કરોડની મૂડી ખાનગી પાર્ટીઓના હાથમાં આવી જશે અને તેનો વહેવાર બરાબર નહિ થાય તો તેનાથી કરોડો થાપણદારોએ મૂડી ગુમાવવાની નોબત આવી શકે છે તેવી રજૂઆત કરીને સરકારના બૅન્કોના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કરશે.
ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મુજબ અત્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોના હાથમાં તેમની મૂડી હોવાથી પ્રજા શાંતિથી ઊંઘી શકે છે. પરંતુ જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણ થવાથી જનતાની એટલે કે થાપણદારોની આ જ મૂડી ખાનગી માલિકોના હાથમાં આવી જશે. ખાનગી માલિકો જનતાની આ મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા માટે જ કરશે. બૅન્કોનું ખાનગીકરણ થઈ જતાં ગુજરાતમાં બૅન્કોની બ્રાન્ચની સંખ્યા પણ ખાસ્સી ઘટી જશે.
અત્યારે ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બૅન્કોની 5000થી વધુ શાખાઓ સક્રિય છે. સરકારી બૅન્કો દ્વારા મહિલાઓને રોજગારી વધુ મળે તે માટે ચલાવવામાં આવતી યોજનાઓ બૅન્કોના ખાનગીકરણ પછી ધીરે ધેરી ઓછી થઈ સમય જતાં કદાચ સાવ જ બંધ થઈ જશે.