'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
ફ્લેટનો દરવાજો તોડીને ક્રૂ મેમ્બર્સે જોયું તો અભિનેતા બેભાન હાલતમાં મળ્યા, પરિવારમાં પત્ની અને સાત વર્ષનો પુત્ર

Yogesh Mahajan death reason: 'શિવ શક્તિ- તબ ત્યાગ તાંડવ' સિરિયલમાં ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા યોગેશ મહાજનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમણે રવિવાર, ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અંતિમ શ્વાસ લીધા. ૨૩ વર્ષીય ટીવી એક્ટર અમન જયસ્વાલના રોડ અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ આ ઘટનાથી ટીવી જગતમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.
'આજ તક'ના અહેવાલ મુજબ, અભિનેતા યોગેશ મહાજનનું તેમના ફ્લેટમાં નિધન થયું હતું. તેમનું એપાર્ટમેન્ટ શૂટિંગના સેટની નજીક હતું. જ્યારે તેઓ શૂટિંગ માટે ન આવ્યા ત્યારે ક્રૂ મેમ્બર્સે તેમના ઘરે જઈને તપાસ કરી હતી. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા આખરે તેઓએ દરવાજો તોડવો પડ્યો હતો. યોગેશ મહાજન ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ગયું હતું. તબીબોએ પણ તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. તેમના સહ કલાકારો આઘાતમાં છે અને તેમના રમૂજી સ્વભાવના વખાણ કરી રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, યોગેશ મહાજનનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. તેઓનો ફ્લેટ સેટ એરિયામાં જ આવેલો છે. નિયત સમયે તેઓ શૂટિંગ માટે ન પહોંચતા ક્રૂ મેમ્બર્સ તેમને શોધવા તેમના ફ્લેટ પર ગયા હતા. દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળતા આખરે દરવાજો તોડવામાં આવ્યો હતો. જ્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
યોગેશ મહાજનના પરિવારમાં તેમની પત્ની અને સાત વર્ષનો પુત્ર છે. તેમના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના અંતિમ સંસ્કાર ૨૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે ગોરારી-૨ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. ૧૯૭૬માં એક ખેડૂત પરિવારમાં જન્મેલા યોગેશ મહાજન કોઈપણ ગોડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યા હતા. તેમણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું.
યોગેશ મહાજનના નિધનના સમાચાર તેમના સહકલાકારો માટે પણ આઘાતજનક છે. તેમની કો-સ્ટાર આકાંક્ષા રાવતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યોગેશ એક જીવંત અને ખુશમિજાજ વ્યક્તિ હતા. તેઓ છેલ્લા એક વર્ષથી સાથે કામ કરી રહ્યા હતા અને આ સમાચારથી તેઓ અત્યંત દુઃખી છે.
યોગેશ મહાજનના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીએ એક પ્રતિભાવાન કલાકાર ગુમાવ્યા છે. તેમના ચાહકો અને સહકલાકારો તેમને હંમેશા યાદ રાખશે.
આ પણ વાંચો...
શાંતિનિકેતને જીત્યો ગોલ્ડન કૈલાસ એવોર્ડ, અજંતા-ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલની ભવ્ય પૂર્ણાહુતિ





















