RBIએ લીધો મોટો નિર્ણય, એક એપ્રિલથી બદલાઇ જશે પૈસા મોકલવાનો આ નિયમ
ફંડ ટ્રાન્સફરમાં ભૂલો રોકવા અને છેતરપિંડી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓનલાઈન ફંડ ટ્રાન્સફરને સુરક્ષિત અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટું પગલું ભર્યું છે. આરબીઆઈએ માહિતી આપી હતી કે 1 એપ્રિલ, 2025 સુધીમાં નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમનો ઉપયોગ કરતી તમામ બેન્કો ગ્રાહકોને બેનિફિશરીના ખાતાના નામની ચકાસણી કરવાની સુવિધા પૂરી પાડશે. ફંડ ટ્રાન્સફરમાં ભૂલો રોકવા અને છેતરપિંડી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
શું ફાયદો થશે?
હાલમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને ઇમીડિએટ પેમેન્ટ્સ સર્વિસ (IMPS) જેવી પેમેન્ટ સિસ્ટમ્સમાં અગાઉથી બેનિફિશરીના નામને વેરિફાય કરવાની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ સુવિધા NEFT અને RTGS માટે લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા બેન્કના કોર બેન્કિંગ સોલ્યૂશન (CBS)ના માધ્યમથી કરવામાં આવશે, જે ખોટા ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર થવાનું જોખમ ઘટાડશે અને છેતરપિંડીના કેસોને અટકાવશે.
આ સુવિધા કેવી રીતે કામ કરશે?
આરબીઆઈના જણાવ્યા મુજબ, લાભાર્થીના એકાઉન્ટ નંબર અને IFSC કોડના આધારે લાભાર્થી બેન્કનું સીબીએસ એકાઉન્ટધારકનું નામ પ્રાપ્ત કરવામાં આવશે. આ નામ પૈસા ટ્રાન્સફર કરનાર વ્યક્તિને બતાવવામાં આવશે, જેથી તે પુષ્ટી કરી શકે કે આપેલી માહિતી સાચી છે. જો કોઈ ટેકનિકલ કારણોસર એકાઉન્ટનું નામ પ્રદર્શિત ન થાય તો તે તે મુજબ નિર્ણય લઈ શકશે.
શું ગ્રાહકો માટે મફત સુવિધા હશે?
આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે આ સેવા ગ્રાહકોને કોઈપણ ચાર્જ વિના આપવામાં આવશે. આ સિવાય આ સુવિધા ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને શાખાઓ દ્વારા પણ ઉપલબ્ધ થશે. ગ્રાહકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આ સુવિધા સંબંધિત કોઈપણ ડેટા સ્ટોર કરશે નહીં. આરબીઆઈએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે વિવાદની સ્થિતિમાં રેમિટર બેન્ક અને લાભાર્થી બેન્ક અનન્ય લુકઅપ સંદર્ભ નંબર અને સંબંધિત લોગનો ઉપયોગ કરીને વિવાદનું નિરાકરણ કરશે.
આરબીઆઈનું આ પગલું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને યુઝર્સ ફ્રેન્ડલી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આનાથી ફંડ ટ્રાન્સફરમાં ભૂલોની શક્યતા ઓછી થશે પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે. બેન્કો અને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ હવે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ આ નવી સુવિધાને સમયસર લાગુ કરે.
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?