NPS માંથી પૈસા ઉપાડતા પહેલા સાવધાન! નિયમો બદલાયા, એક નાની ભૂલ નિવૃત્તિ પર ભારે પડશે
NPS exit rules update: PFRDA એ એન્યુટીની મર્યાદા ઘટાડીને 20% કરી, હાથમાં રોકડ રકમ વધશે પણ ભવિષ્યની સુરક્ષા જોખમમાં મુકાય નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી.

NPS exit rules update: નિવૃત્તિ પછીનું જીવન શાંતિથી પસાર થાય તે માટે દરેક નોકરિયાત વ્યક્તિ Retirement Planning કરે છે. આ માટે NPS એક ઉત્તમ વિકલ્પ છે. તાજેતરમાં PFRDA એ બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સ (ઓલ સિટીઝન મોડેલ અને કોર્પોરેટ સેક્ટર) માટે નિયમોમાં જે સુધારા કર્યા છે, તે તમને વધુ નાણાકીય સ્વતંત્રતા આપે છે. સૌથી મોટો ફેરફાર 'એન્યુટી' (Annuity) એટલે કે ફરજિયાત પેન્શનની રકમમાં કરવામાં આવ્યો છે. અગાઉ નિવૃત્તિ સમયે કુલ ફંડના 40% રકમની એન્યુટી ખરીદવી ફરજિયાત હતી, જે હવે ઘટાડીને 20% કરવામાં આવી છે. એટલે કે હવે તમે તમારા જમા થયેલા ભંડોળમાંથી 80% રકમ એકસાથે ઉપાડી શકો છો.
જોકે, આ આઝાદીની સાથે એક મોટું જોખમ પણ રહેલું છે. વાર્ષિકી અથવા એન્યુટી એ એવી વ્યવસ્થા છે જે તમને નિવૃત્તિ બાદ દર મહિને નિશ્ચિત આવક પૂરી પાડે છે. જો તમે હાથમાં મોટી રકમ જોઈને 80% પૈસા ઉપાડી લેશો, તો તમારી માસિક પેન્શનની આવક ખૂબ ઓછી થઈ જશે. વધતી જતી મોંઘવારી (Inflation) અને મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે માત્ર એકસાથે મળેલું ભંડોળ પૂરતું ન પણ થાય.
તમારા ફંડ મુજબ કયા વિકલ્પો મળશે? નવા નિયમો મુજબ ઉપાડની મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
₹12 લાખથી વધુ ફંડ: જો તમારું કુલ NPS કોર્પસ ₹12 લાખ કરતા વધારે છે, તો તમારે ઓછામાં ઓછી 20% રકમની એન્યુટી (પેન્શન પ્લાન) ખરીદવી ફરજિયાત છે. બાકીની 80% રકમ તમે એકસાથે અથવા હપ્તામાં ઉપાડી શકો છો.
₹8 લાખથી ₹12 લાખની વચ્ચે: આ કેટેગરીમાં તમે મહત્તમ ₹6 લાખ સુધીની રકમ એકસાથે ઉપાડી શકો છો, જ્યારે બાકીની રકમ એન્યુટી માટે વાપરવી પડશે.
₹8 લાખ સુધીનું ફંડ: જો તમારી કુલ જમા રકમ ₹8 લાખ કે તેથી ઓછી છે, તો તમે પૂરેપૂરી રકમ (100% Withdrawal) એકસાથે ઉપાડી શકો છો, કોઈ એન્યુટી ખરીદવાની જરૂર રહેતી નથી.
શા માટે આ ભૂલ મોંઘી પડી શકે?
ઘણા રોકાણકારો NPS Withdrawal Rules માં મળેલી આ છૂટને જોઈને લલચાઈ જાય છે અને મહત્તમ રકમ ઉપાડી લે છે. પરંતુ યાદ રાખો, આયુષ્ય મર્યાદા વધી રહી છે. 60 વર્ષ પછી પણ 20-25 વર્ષનું જીવન બાકી હોઈ શકે છે. તે સમયે નિયમિત પેન્શન જ તમારો સાચો સહારો બને છે. તેથી, માત્ર ટેક્સ બચાવવા કે હાથમાં રોકડ રાખવા માટે એન્યુટીનો હિસ્સો ઘટાડવો એ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સમજદારી એમાં છે કે તમારી જરૂરિયાત મુજબ સંતુલન જાળવીને જ ઉપાડનો નિર્ણય લો.





















