Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો
FD interest rates : RBI એ મે અને જૂનમાં રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.ત્યારબાદ બેંકોએ અલગ-અલગ મુદત માટે FDના વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે.
Fixed Deposit interest rates : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મે અને જૂનમાં રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.ત્યારબાદ બેંકોએ અલગ-અલગ મુદત માટે FDના વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં 9 જેટલી બેંકોએ FD વ્યાજ દરમાં વધારો કર્યો છે.
1)સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અમુક મુદત માટે 20 બેસિસ પોઈન્ટ સુધીની ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વધારો 14 જૂન, 2022થી 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર લાગુ થયો છે. બંને નવા ડિપોઝિટ અને મેચ્યોર થઈ રહેલા રિન્યૂઅલ પર નવા વ્યાજદર લાગૂ થશે.
2)પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક એટલે કે PNBએ અલગ-અલગ કાર્યકાળની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. વધેલા વ્યાજ દરો 14 જૂન, 2022થી લાગુ થઈ ગયા છે. PNBએ એક અને બે વર્ષની થાપણો પર વ્યાજ દર 5.10 ટકાથી વધારીને 5.20 ટકા કર્યા છે.
3)HDFC બેંક
HDFC બેંકે અઠવાડિયામાં બે વખત FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે FD પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. નવા દરો 17 જૂન, 2022થી લાગુ થશે. આ દરો રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર લાગુ થાય છે. ખાનગી બેંકની વેબસાઇટ અનુસાર, 7 દિવસથી 29 દિવસની FD પર હવે 2.75 ટકાના દરે વ્યાજ મળશે, જે પહેલા 2.50 ટકા હતું. તે જ સમયે, 30 દિવસથી 90 દિવસના સમયગાળા પર, બેંકનો વ્યાજ દર 3.25 ટકા છે, જે પહેલા 3 ટકા હતો.
4)ICICI બેંક
આ ખાનગી બેંકે બહુવિધ કાર્યકાળની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરમાં પાંચ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. વધેલા વ્યાજ દર 22 જૂન, 2022થી લાગુ થશે. 7 દિવસથી 10 દિવસની એફડી પર બેંકમાં 2.75 ટકાથી 5.75 ટકા વ્યાજ દર છે.
5)યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા વ્યાજ દરો 16 જૂન 2022થી લાગુ થશે. બેંક 7 દિવસથી 10 વર્ષની મુદતવાળી FD પર 3 ટકાથી 5.80 ટકા વ્યાજ આપી રહી છે.
6)એક્સિસ બેંક
આ ખાનગી બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે, જે 16 જૂન, 2022થી લાગુ થશે. એક્સિસ બેંકની વેબસાઈટ અનુસાર, એક વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી. આ સિવાય 5 થી 10 વર્ષની FD પર વ્યાજ દર 5.75 ટકા છે.
7)ઇંડસઇંડ બેંક
ઇંડસઇંડ બેંક સૌથી ઓછા 7 દિવસથી 14 દિવસની FD પર વ્યાજ 2.75 ટકાથી વધારીને 3.25 ટકા કરી રહી છે. આ રીતે FDના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ઇંડસઇંડ બેંકે 15 દિવસથી 30 દિવસની FD પર 3.50 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ સમયગાળા માટે એફડીમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. 31 દિવસથી 45 દિવસની એફડી પર 3.70 ટકા, 46 દિવસથી 60 દિવસની એફડી પર 3.80 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ રીતે, આ બંને FD યોજનાઓમાં અનુક્રમે 20 બેસિસ પોઈન્ટ્સ અને 15 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.
8)ફેડરલ બેંક
ખાનગી બેંક, ફેડરલ બેંકે પણ ફિક્સ ડિપોઝીટના દરમાં વધારો કર્યો છે. હવે નવા દરો 2.75 ટકાથી વધીને 5.75 ટકા થઈ ગયા છે. આ બેંક વરિષ્ઠ નાગરિકોને 3.25 ટકાથી 6.40 ટકા સુધી વ્યાજ આપી રહી છે. નવા દરો 22 જૂન, 2022થી લાગુ થશે.
9)બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 2 કરોડથી ઓછી મુદતની થાપણો પર વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો 444 દિવસની સ્કીમમાં રૂ. 2 કરોડથી ઓછી રકમનું રોકાણ કરવામાં આવે તો ગ્રાહકોને 5.50 ટકા વ્યાજ મળે છે. મેચ્યોરિટી પર આધારિત આ સૌથી વધુ વ્યાજ દર છે. 445 દિવસથી 3 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર 5.40 ટકા વ્યાજ મળી રહ્યું છે. બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને 3 વર્ષથી 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.35% વ્યાજ દર ઓફર કરી રહી છે.