Aadhaar Card માં જન્મતારીખ ખોટી હોય તો પરેશાન ન થાવ, જાણો બદલવાની સરળ રીત
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં તમારી માહિતી હોય છે. જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક વિગતો સામેલ છે.
આધાર કાર્ડ(Aadhaar Card)એક એવો દસ્તાવેજ છે, જે આજના સમયમાં લગભગ દરેક કામ માટે જરૂરી છે. સિમ કાર્ડ મેળવવું હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, રેશન કાર્ડ બનાવવું હોય કે પીએફના પૈસા ઉપાડવા હોય આવા કોઈપણ કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં તમારી માહિતી હોય છે. જેમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક વિગતો સામેલ છે.
લોકો ઘણીવાર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ચિંતિત રહે છે કારણ કે તેમની પાસે સાચી માહિતી નથી હોતી. આપણે જોયું છે કે ઘણીવાર ઘણા લોકોના આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ કે સરનામું ખોટું હોય છે. આવી સ્થિતિમાં, જો તમારા આધારમાં આવી કોઈ ભૂલ છે, તો તેને વહેલી તકે સુધારી લો. અન્યથા તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો નહીં. અહીં અમે તમને જણાવીશું કે જો તમારા આધારમાં જન્મ તારીખ (Aadhaar card date of birth change) ખોટી છે, તો તમે તેને કેવી રીતે સુધારી શકો છો.
જો તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ ખોટી રીતે છપાયેલી હોય તો જાણો UIDAIના નિયમો આ માટે શું કહે છે. નિયમો અનુસાર, તમે માત્ર એક જ વાર આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી શકો છો.
જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે તો તેને સુધારવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જો તમે ઇચ્છો તો, તમે કોઈપણ દસ્તાવેજ જેમ કે પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, બેંક પાસબુક, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકો છો.
તમે તમામ જરૂરી દસ્તાવેજો સાથે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. તો ચાલો જાણીએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ સુધારવાની સરળ પ્રક્રિયા શું છે ?
- આ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.
- અહીં ગયા પછી તમારે કાઉન્ટર પરથી કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.
- આમાં તમારે તમારું નામ, આધાર નંબર અને માહિતી આપવી પડશે જે તમે સુધારવા માંગો છો.
- ઉદાહરણ તરીકે, જો તમે જન્મ તારીખ બદલવા માંગતા હો, તો વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.
- હવે આધાર કેન્દ્ર પર હાજર અધિકારીઓ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને તેનું વેરિફિકેશન કરશે.
- જેમાં તમારી ફિંગર પ્રિન્ટથી લઈને આઈ સ્કેન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
- આ સાથે તમારું ફોર્મ ચેક કરવામાં આવશે અને તમારી પાસેથી માહિતી કન્ફર્મ કરવામાં આવશે.
- આ પછી, જો તમારા દસ્તાવેજો સાચા જણાય છે, તો તમારી જન્મ તારીખ અપડેટ કરવામાં આવે છે.
- આધારમાં જન્મ તારીખ બદલવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવા પડશે.
- થોડા દિવસોમાં આધાર કાર્ડમાં નવી જન્મતારીખ અપડેટ થઈ જશે.
- તમને આધાર કેન્દ્ર પર URN સ્લિપ આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને તમે તમારી આધાર અપડેટ વિનંતીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
- આ પછી, જો તમે ઇચ્છો તો, તમે UIDAI સાઇટ પર જઈને અપડેટ કરેલ આધાર ડાઉનલોડ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે આધારમાં સુધારા માટે કેટલાક નિયમો ખૂબ જ કડક છે. ઘણી વખત એવી ફરિયાદો મળે છે કે લોકો તેમના આધારને એક વખત સુધારી લે છે, પરંતુ ભૂલો હજુ પણ રહે છે અને ફરીથી સુધારવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જો જન્મતારીખમાં ભૂલ હોય, તો તમને તેને માત્ર એક જ વાર સુધારવાની તક મળે છે. જો કે, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એ પણ જણાવી રહ્યા છીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.
આ માટે, તમારે તમારા જન્મતારીખના પ્રમાણપત્ર સાથે આધાર કેન્દ્ર પર જવું પડશે અને અપવાદરૂપ અપડેટ માટે અરજી કરવી પડશે. જો UIDAI ને લાગે છે કે તમારી આધાર અપડેટ વિનંતી સાચી છે તો તેને સુધારી લેવામાં આવશે, અન્યથા તમારી વિનંતી રદ પણ થઈ શકે છે.