ED Action On Sahara Group: સહારા ગ્રુપ પર EDની મોટી કાર્યવાહી, દેશભરમાં 1023 એકર જમીન કરાઇ જપ્ત
ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ જમીનો સહારા ગ્રુપની કંપનીઓ પાસેથી ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદવામાં આવી હતી

ED Action On Sahara Group: કોલકાતા ED ઝોનલ ઓફિસે સહારા ગ્રુપની કંપની સહારા પ્રાઇમ સિટી લિમિટેડની 1023 એકર જમીન જપ્ત કરી છે. આ જમીનોની કિંમત આશરે 1538 કરોડ રૂપિયા (2016ના સર્કલ રેટ મુજબ) અંદાજવામાં આવી છે. આ જમીનો દેશના 16 શહેરોમાં ફેલાયેલી છે, જે બેનામી નામોથી ખરીદવામાં આવી હતી.
ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ જમીનો સહારા ગ્રુપની કંપનીઓ પાસેથી ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદવામાં આવી હતી. EDએ જણાવ્યું હતું કે સહારા ગ્રુપની ઘણી કંપનીઓ અને સહકારી મંડળીઓ સંયુક્ત રીતે પોન્ઝી સ્કીમ ચલાવી રહી હતી જેમાં લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને તેમને બળજબરીથી ફરીથી રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું અને મેચ્યોરિટીના રૂપિયા પરત કરવામાં આવ્યા ન હતા.
સહારા ગ્રુપ ઓફ કંપનીઝ દેશના 16 શહેરોમાં ફેલાયેલી મિલકતો ધરાવે છે, જે નીચે મુજબ છે:
આણંદ (ગુજરાત): ૨૨.૮ એકર
ભૂવનેશ્વર (ઓડિશા): 2.76 એકર
સિંધુદુર્ગ (મહારાષ્ટ્ર): 30.4 એકર
હુબલી-ધારવાડ (કર્ણાટક): 123.5 એકર
જયપુર (રાજસ્થાન): 61.7 એકર
જમ્મુ (જમ્મુ અને કાશ્મીર): 115.1 એકર
મૈસુર (કર્ણાટક): 73.8 એકર
રૂડકી (ઉત્તરાખંડ): 51.3 એકર
શિમોગા (કર્ણાટક): 29.9 એકર
સોલાપુર (મહારાષ્ટ્ર): 125.5 એકર
લલિતપુર (યુપી): 6.63 એકર
લખનઉ (યુપી): 107.6 એકર
બહેરામપુર (ઓડિશા): 2.4 એકર
બિકાનેર (રાજસ્થાન): 248.5 એકર (બે સ્થળોએ સંયુક્ત)
મુરાદાબાદ (યુપી): 21.5 એકર
ED એ 3 અલગ અલગ FIR ના આધારે કાર્યવાહી શરૂ કરી
ઇડીએ આ કાર્યવાહી Humara India Credit Cooperative Society Ltd. સામે નોંધાયેલા 3 અલગ-અલગ FIRના આધારે શરૂ કરી હતી. અને ઓડિશા, બિહાર અને રાજસ્થાન પોલીસે સહારા કંપનીઓ સામે અન્ય કેસ નોંધ્યા હતા. બાદમાં 500થી વધુ FIR દાખલ કરવામાં આવી હતી જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે લોકો પાસેથી છેતરપિંડીથી પૈસા લેવામાં આવ્યા હતા અને જ્યારે પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે તેમને હેરાન કરવામાં આવ્યા હતા.
EDની તપાસમાં શું બહાર આવ્યું
ED ની તપાસમાં જાણવા મળ્યું કે સહારા ગ્રુપની કંપનીઓ કોઈપણ નિયમન વિના લોકો પાસેથી પૈસા વસૂલ કરી રહી હતી. જ્યારે લોકોના પૈસા મૈચ્યોર થયા ત્યારે તેમને બળજબરીથી બીજી યોજનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ ઉપરાંત, ગ્રાહકોના ખાતા સાથે છેડછાડ કરીને એવું દર્શાવવામાં આવ્યું હતું કે તેમના પૈસા પરત કરવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં પૈસા બીજે ક્યાંક રોકાણ કરવામાં આવ્યા હતા. નવી થાપણો લઈને જૂના રોકાણકારોને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે પોન્ઝી યોજનાની પદ્ધતિ છે.
ઘણી મિલકતો વેચવામાં આવી
ઘણી મિલકતો વેચવામાં આવી હતી અને ચૂકવણી રોકડમાં લેવામાં આવી, જેના કારણે થાપણદારોને નુકસાન થયું. અત્યાર સુધીમાં 1023 એકર જમીન જપ્ત કરવામાં આવી છે. અગાઉ અંબી વેલીની 707 એકર જમીન જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત લગભગ 1460 કરોડ રૂપિયા છે. દરોડા દરમિયાન 2.98 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ઘણા એજન્ટો, થાપણદારો અને કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તપાસ હજુ ચાલુ છે અને ED વધુ કડક કાર્યવાહી કરી શકે છે.





















