FSSAI એ લોટે ઈન્ડિયા, ફર્ન્સ એન પેટલ્સ અને કુબેરા ફૂડ્સને ફૂડ પેકેજિંગ પર ભ્રામક દાવાઓ કરવા બદલ નોટિસ ફટકારી છે. આ કંપનીઓ ગ્રાહકોને ખોટી માહિતી આપી રહી હતી.
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી લોટે ઈન્ડિયા, કુબેરા ફૂડ્સ અને ફર્ન્સ એન પેટલ્સ કંપનીઓના ભ્રામક દાવાઓનો પર્દાફાશ, 7 દિવસમાં માંગ્યો જવાબ.

- FSSAI એ ત્રણ મોટી કંપનીઓને ભ્રામક દાવાઓ માટે નોટિસ આપી.
- લોટે ચોકોપાઈ શાકાહારી નહીં, લોલીપોપમાં વિટામિન નિયમ મુજબ નહીં.
- કુબેરા '100% નેચરલ' જ્યારે ફર્ન્સ 'પ્રીમિયમ ચોકલેટ' દાવા ખોટા.
- કંપનીઓએ 7 દિવસમાં ખુલાસો કરવો પડશે, નહીંતર કડક કાર્યવાહી.
FSSAI Notice Lotte India: જો તમે પણ તમારા બાળકોને બજારમાંથી પેકેજ્ડ ફૂડ કે ચોકલેટ લાવીને ખવડાવતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ફૂડ પેકેજિંગ પર ભ્રામક દાવાઓ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી 3 મોટી કંપનીઓને નોટિસ ફટકારી છે. આ કંપનીઓમાં જાણીતી બ્રાન્ડ લોટે ઈન્ડિયા (Lotte India), ફર્ન્સ એન પેટલ્સ (Ferns N Petals) અને કુબેરા ફૂડ્સ (Kubera Foods) નો સમાવેશ થાય છે. ફૂડ રેગ્યુલેટરે આ તમામ કંપનીઓ પાસેથી 7 દિવસની અંદર ખુલાસો માંગ્યો છે કે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ તેમની સામે કડક કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ.
ચોકોપાઈ વેજિટેરિયન નથી અને લોલીપોપમાં ફળનો અંશ પણ નહીં!
FSSAI ની તપાસમાં સામે આવ્યું છે કે બાળકોની ફેવરિટ એવી લોટે ચોકોપાઈ 100% શાકાહારી નથી! લોટે કંપની તેની 'ચોકોપાઈ વિથ રિચ માર્શમેલો', 'રિયલ ઓરેન્જ' અને 'ચોકો બર્સ્ટ' જેવી પ્રોડક્ટ્સ પર 100% શાકાહારી હોવાનો દાવો કરે છે, જે તપાસમાં તદ્દન ખોટો અને ભ્રામક સાબિત થયો છે. આ ઉપરાંત, કંપનીના પેપેરો ક્રન્ચી અને ઓરિજિનલ બિસ્કિટમાં જરૂરી પોષણ માહિતી (ન્યુટ્રિશન ઇન્ફો) નો અભાવ જોવા મળ્યો છે.
એટલું જ નહીં, લોટેની 'લોલી બ્લિસ' લોલીપોપ્સમાં વિટામિનનું પ્રમાણ નિયમો મુજબ ન હતું, અને 'ફ્રુટ્ઝ એક્લેયર્સ'માં ફળનો એક અંશ પણ ન હોવા છતાં તેને ફળ જેવી દર્શાવવામાં આવી હતી. સાથે જ, કંપનીએ મંજૂરી વિના જૂના પ્રિન્ટેડ લેબલનો પણ નિયમો વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો.
'100% નેચરલ' ના નામે કેમિકલનો વેપલો
આ યાદીમાં બીજું નામ કુબેરા ફૂડ્સનું છે, જેની મોટી ચાલાકી પણ FSSAI એ પકડી પાડી છે. આ કંપની તેના "સોફ્ટ એન્ડ ફ્રેશ ક્રીમ બન પાઈનેપલ" ના પેકેટના આગળના ભાગે મોટા અક્ષરે "100% નેચરલ" અને "નો કેમિકલ્સ, કલર્સ કે ફ્લેવર્સ" એવું લખીને ગ્રાહકોને ગુમરાહ કરી રહી હતી. જોકે, નવાઈની વાત એ છે કે તેના જ પ્રોડક્ટ લેબલમાં પાછળની તરફ કેમિકલ, કૃત્રિમ રંગો અને ફ્લેવર ઉમેર્યા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે આવા "શુદ્ધ અને કુદરતી" દાવાઓ કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
'પ્રીમિયમ ચોકલેટ' ના નામે ભેળસેળ
ત્રીજી નોટિસ પ્રખ્યાત ગિફ્ટિંગ અને ફૂડ કંપની ફર્ન્સ એન પેટલ્સ પ્રાઇવેટ લિમિટેડને ફટકારવામાં આવી છે. કંપની તેની "રોસ્ટેડ બદામ ચોકલેટ" ને પેકેટ પર "પ્રીમિયમ ચોકલેટ" કહીને વેચી રહી હતી, જ્યારે વાસ્તવમાં તેમાં હાઇડ્રોજનેટેડ વેજિટેબલ ફેટ (વનસ્પતિ ચરબી) નો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.
આ અગાઉ પણ FSSAI એ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે હેરિટેજ ફૂડ્સ લિમિટેડ સહિત ઘણી કંપનીઓને તેમના 'ફ્રેશ ચીઝ' પર કરવામાં આવેલા ભ્રામક દાવાઓ બદલ નોટિસ જારી કરી હતી. હવે આ 3 કંપનીઓએ 7 દિવસમાં પોતાનો બચાવ રજૂ કરવો પડશે, અન્યથા આકરી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
Frequently Asked Questions
કઈ કંપનીઓને FSSAI દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને શા માટે?
લોટે ઈન્ડિયાએ કયા ભ્રામક દાવાઓ કર્યા હતા?
લોટે ચોકોપાઈને 100% શાકાહારી ગણાવ્યું હતું, જે ખોટું હતું. ઉપરાંત, લોલીપોપમાં વિટામિન ઓછા હતા અને ફ્રુટ્ઝ એકલેયર્સમાં ફળ નહોતા.
કુબેરા ફૂડ્સે ગ્રાહકોને કેવી રીતે ગુમરાહ કર્યા?
કુબેરા ફૂડ્સે તેના ઉત્પાદન પર '100% નેચરલ' અને 'નો કેમિકલ્સ' હોવાનો દાવો કર્યો હતો. જોકે, લેબલ પર જ કેમિકલ અને કૃત્રિમ રંગોનો ઉલ્લેખ હતો.
ફર્ન્સ એન પેટલ્સના ઉત્પાદનમાં શું સમસ્યા હતી?
ફર્ન્સ એન પેટલ્સ તેની 'રોસ્ટેડ બદામ ચોકલેટ' ને 'પ્રીમિયમ ચોકલેટ' તરીકે વેચતી હતી. પરંતુ તેમાં હાઇડ્રોજનેટેડ વેજિટેબલ ફેટનો ઉપયોગ થયો હતો.
આ કંપનીઓએ FSSAI ને જવાબ આપવા માટે કેટલી સમયમર્યાદા છે?
FSSAI એ આ તમામ કંપનીઓ પાસેથી 7 દિવસની અંદર ખુલાસો માંગ્યો છે. જો તેઓ જવાબ નહીં આપે તો કડક કાર્યવાહી થઈ શકે છે.






















