Gold Prices: સોનામાં લાલચોળ તેજી, કિંમત 27 મહિનાની ટોંચે પહોંચી, 10 દિવસ ભાવ 1261 રૂપિયા વધ્યા
વિશ્લેષકોના મતે સોનામાં વધારો 2023માં પણ ચાલુ રહી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર શુક્રવારે સોનાની કિંમત (24 કેરેટ) વધીને 53,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
Gold Prices: સોનું ફરી એકવાર 53,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચી ગયું છે. લગભગ 27 મહિનામાં સોનાની આ સૌથી વધુ કિંમત છે. અગાઉ 18 ઓગસ્ટ 2020ના રોજ સોનું રૂ.53,815 પર પહોંચી ગયું હતું. 2021 માં તે ક્યારેય 53 હજારના સ્તરને સ્પર્શ્યું ન હતું. હકીકતમાં ડૉલરના ઘટાડાને કારણે વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થયો છે. તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે.
વિશ્લેષકોના મતે સોનામાં વધારો 2023માં પણ ચાલુ રહી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર શુક્રવારે સોનાની કિંમત (24 કેરેટ) વધીને 53,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. સોનું માત્ર બે દિવસમાં રૂ. 860 અને છેલ્લા 10 દિવસમાં રૂ. 1,261 મોંઘું થયું છે. 23 નવેમ્બરે સોનું 52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. અગાઉ 2022માં માત્ર એક જ વાર 18 એપ્રિલે સોનું રૂ. 53,600થી ઉપર રૂ. 53,603 થયું હતું.
IBJA દેશના 14 મોટા શહેરોમાં સોનાની સરેરાશ કિંમત આપે છે. સોનાની આ કિંમત ભારત માટે પણ ખાસ છે કારણ કે આપણા દેશમાં લગભગ 25 હજાર ટન સોનું લોકોના ઘરોમાં હાજર હોવાનો અંદાજ છે.
આ ત્રણ મોટા કારણોથી સોનું મોંઘુ થઈ રહ્યું છે
ડૉલરના ઘટાડાને કારણે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ખરીદવા માટે વધુ ડૉલર ચૂકવવા પડશે.
ચીનમાં 22 જાન્યુઆરીથી નવા વર્ષની ઉજવણી શરૂ થશે, જે દરમિયાન ત્યાં સૌથી વધુ સોનાની ખરીદી કરવામાં આવે છે.
ભારત અને ચીન સહિત વિશ્વભરની કેન્દ્રીય બેંકો સ્થાનિક ચલણને ટેકો આપવા માટે સતત સોનાની ખરીદી કરી રહી છે.
પોવેલની ટિપ્પણી બાદ તેજી શરૂ થઈ હતી
યુએસ સેન્ટ્રલ બેંક ફેડના ચેરમેન જેરોમ પોવેલે બુધવારે જણાવ્યું હતું કે હવે વ્યાજદરમાં ઓછો વધારો કરવામાં આવશે. જેના કારણે ડૉલર ઘટવા લાગ્યો અને સોનું વધવા લાગ્યું. નિષ્ણાંતોના મતે સોનામાં તેજી આગામી મહિનાઓમાં ચાલુ રહી શકે છે.
આવતા વર્ષે 61,000 સુધી પહોંચવાની અપેક્ષા છે
વિશ્લેષકોનું કહેવું છે કે, ચીનમાં 22 જાન્યુઆરીથી નવા વર્ષની ઉજવણી શરૂ થઈ રહી છે. આ દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી ત્યાં થાય છે. આ સિવાય વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. આ કારણે સોનામાં વધારો ચાલુ રહેવાની શક્યતા છે. નિષ્ણાંતો આગામી વર્ષે સોનાનો ભાવ 60-61 હજાર રૂપિયા સુધી જવાની શક્યતા દર્શાવી રહ્યા છે.