હવે નાનાં શહેરો પણ હવાઈ પ્રવાસ કરી શકશે, એક ગુજ્જુભાઈનો 'સ્મૉલ પ્લેન પ્લાન'
મૂળ પોરબંદરના વતની જગદીશ કોટેચા ખૂબ જ ટૂંકા ગાળામાં સામાન્ય નાગરિકોને સસ્તામાં સોંઘી હવાઈ યાત્રા કરાવવા માટે એવિએશન ક્ષેત્રે ઝંપલાવી રહ્યાં છે
અમદાવાદઃ ગુજરાત અને ગુજરાતીઓ નવા-નવા સાહસો કરવા માટે પ્રખ્યાત છે. પોતાના સાહસ વડે વિશ્વ ભરમાં જુદા-જુદા અનેક ક્ષેત્રે નામના ધરાવતા અસંખ્ય ગુજરાતીઓની હરોળમાં વધુ એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે અને એ નામ છે જગદીશ કોટેચા. સંભવઃ આ પહેલા ગુજરાતી હશે કે જેઓ પોતાની એરલાઇન્સ મારફત અન્ય એરલાઇન્સ કરતા ઓછા દરે દેશવાસીઓને સુવિધાયુક્ત હવાઈ સેવા આપવા તત્પર છે.
મૂળ પોરબંદરના વતની જગદીશ કોટેચા ખૂબ જ ટૂંકા ગાળામાં સામાન્ય નાગરિકોને સસ્તામાં સોંઘી હવાઈ યાત્રા કરાવવા માટે એવિએશન ક્ષેત્રે ઝંપલાવી રહ્યાં છે. કોટેચા પોતાની શ્રી રામદૂત ઍરવેઝ થકી ઉડ્ડયન ક્ષેત્રે એક નવો યુગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. વિમાન સેવાના વિશ્વમાં ગ્રાઉંડ સર્વિસથી માંડીને ટિકિટિંગ, કાર્ગો, ટ્રાવેલ એજંસી સહિત સહિતના કાર્યોના બધાં મોરચે જગદીશભાઈ કોટેચાની કંપની 35 વરસથી પ્રગતિ સાધી રહી છે. પોતાના નવા સાહસ બ્લિસ ઍરવેઝ થકી તેઓ નવું સુવર્ણ પ્રકરણ લખવા સજ્જ છે. સોંઘા દરે શ્રેષ્ઠ સેવા પૂરી પાડતી બ્લિસ ઍરવેઝ જ્યારે ગોવા અને દેશનાં વિવિધ રાજ્યો વચ્ચે પૅસેંજર્સ માટે ફ્લાઇટ્સ રજૂ કરશે, ત્યારે આકાશ વધુ રોમાંચક થઈ જશે.
આજે વાત કરીએ મૂળ પોરબંદરના ગુજરાતી સાહસિક ઉદ્યોગપતિ જગદીશ નારણદાસ કોટેચાની. તેમણે ગોવાના આકાશને પોતાની અમાપ સફળતાથી વિશ્વભરમાં ઝળકાવ્યું છે. તેઓ કદાચ ઉડ્ડયન ઉદ્યોગના સૌથી સફળ ગુજરાતી છે. 1949માં જન્મેલા જગદીશભાઈએ બાળપણનાં ઘણા વરસો પોર્ટુગલ, મોઝામ્બિક અને ઈસ્ટ આફ્રિકામાં પસાર કર્યાં અને ત્યાર બાદ ગોવાને પોતાની કર્મભૂમિ બનાવી. ઉડ્ડયન વિશ્વમાં 35 વરસથી પ્રવૃત્ત જગદીશભાઈ ખૂબ જ ટૂંકા ગાળામાં બ્લિસ ઍરવેઝ નામની ઍરલાઇન લાવી રહ્યા છે. આ ઍરલાઇન ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ માટે એક સોનેરી પૃષ્ઠ પુરવાર થશે. વધુ વાત કરતા પહેલાં જગદીશભાઈના ત્યાં પ્રવાસ પર દૃષ્ટિપાત કરીએ.
જગદીશભાઈ કોટેચાએ ઉદ્યોગ-ધંધાનું તલસ્પર્શી જ્ઞાન ગળથૂથીમાં મેળવ્યું. તેમણે 1954થી ગોવામાં વસીને અનેક મોરચે આર્થિક સફળતા પામી. 1986માં તેમણે ઉડ્ડયન ઉદ્યોગમાં ઝંપલાવ્યું. તેમના સાહસ યુનાઇટેડ ઍર ટ્રાવેલ્સના કાર્યાલયનું ઉદ્ઘાટન ગોવાના તત્કાલીન મુખ્યપ્રધાન પ્રતાપ સિંહ રાણેના હસ્તે થયું હતું. જગદીશભાઈના આકાશી સાહસમાં ઍરલાઇન્સ, એવિએશન, ગ્રાઉંડ હૅંડલિંગ સેવાઓ તથા ટ્રાવેલ એજંસી; એમ ઉડ્ડયન ઉદ્યોગનાં વૈવિધ્યસભર પાસાંઓ સામેલ છે. ગોવામાં વાયુદૂતની ફ્લાઇટ્સના શ્રીગણેશ વખત એટલે કે 1986થી તેમણે કંપનીની ફ્લાઇટ્સની ગ્રાઉંડ હૅંડલિંગ સેવાઓ ખૂબ જ ખૂબી સાથે સંભાળી. ગોવા-હૈદરાબાદ-ગોવા અને મુંબઈ-પુણે-ગોવા-પુણે-મુંબઈ વચ્ચે આકાશી ખેપ મારતી ફ્લાઇટ્સ માટેની તેમની કંપનીની ગ્રાઉંડ હૅંડલિંગ સેવાઓ કાયમ પ્રશંસાપાત્ર રહી છે. યુનાઇટેડ ઍર ટ્રાવેલ્સ આજે સ્કાયલિંક્સ એવિએશન સર્વિસિઝ તરીકે ઓળખાય છે. કંપની હાલમાં સાત અગ્રણી ઍરલાઇન્સ સહિત ચાર્ટર ફ્લાઇટ્સ અને એગ્ઝીક્યુટિવ ચાર્ટર ફ્લાઇટ્સને પણ સેવાઓ પૂરી પાડે છે. દેશના દરેક મોટા ઍરપોર્ટ ઉપરાંત યુએઈ, યુકે, પોર્ટુગલ, બલ્ગેરિયા સહિત વિશ્વ ભરમાં 34 ઠેકાણે કંપનીનાં ઍસોસિએટ કાર્યાલયો ધમધમે છે.
કોટેચાએ દૂરંદેશી, અનુશાસન અને આયોજનના સમન્વય થકી નિરંતર પ્રગતિનાં સોપાન સર કર્યાં છે. એક પછી એક; એમ કરતાં તેમની કંપનીએ એક ડઝનથી વધુ અગ્રણી ઍરલાઇન્સને સેવાઓ પૂરી પાડી સર્વોચ્ચ શાખ જમાવી છે. ઉપરાંત, ગોવાની અગ્રણી ટ્રાવેલ એજંસી તરીકે અથવા તો પછી એસઓટીસી ટૂર્સ જેવી વૈશ્વિક કંપનીનું પ્રતિનિધિત્વ કરતા વિશ્વ ભરમાં અસંખ્ય પ્રવાસીઓને યાદગાર ટૂર્સ કરાવીને સંપાદિત કરેલી વિશ્વસનીયતા તો અલગ. ગોવાને લાભેલા આ ગૌરવશાળી ગુજરાતી ઉદ્યોગપતિ હવે ઉડ્ડયન ક્ષેત્રમાં શ્રી રામદૂત ઍરવેઝ શરૂ કરીને સફળતાનું વધુ એક પ્રકરણ લખવા માટે સજ્જ છે.
શ્રી રામદૂત ઍરવેઝ આ વર્ષાંત સુધીમાં બ્લિસ ઍરવેઝના નામે પદાર્પણ કરશે. આ સાથે ભારતનું આકાશ વધુ ઝમકદાર થશે. તેમની આશાસ્પદ બજેટ ઍરલાઇન ઓછા ખર્ચે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડીને પ્રવાસીઓને અભિભૂત કરશે. ગોવાને આ ઍરલાઇન ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પંજાબ જેવાં રાજ્યો સાથે નિયમિત ડાયરેક્ટ ફ્લાઇટ્સથી કનેક્ટ કરશે. હનીમૂન કપલ્સ માટે, કૅસિનોમાં આનંદ માણવા ગોવા જવા ઉત્સુક પ્રવાસીઓ માટે બ્લિસ ઍરવેઝ આકર્ષક પૅકેજિસ ઑફર કરશે. પૅસેંજર માટે પરફેક્ટ ઍરલાઇન્સ શરૂ કરવા સાથે બ્લિસ ઍરવેઝ ભારત અને દુબઈ, તાંઝાનિયા, યુગાંડા, નાઇજીરિયા, મોઝામ્બિક, ઇઝરાયલ, ટર્કી, પોર્ટુગલ જેવા દેશો માટે કાર્ગો સેવા સાથે વિકસતા ભારતના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપશે. દેશના સર્વશ્રેષ્ઠ એવિએશન એક્સપર્ટ્સ આ અનોખા સાહસ માટે સંગઠિત થયા છે. આ સૌના સહિયારા પ્રયાસથી એવિએશન ઉદ્યોગમાં એક રોમાંચક પ્રકરણની શરૂઆત એટલે બ્લિસ ઍરવેઝ.
વધુ એક ઉત્તમ વાત. બ્લિસ ઍરવેઝની તમામ ફ્લાઇટ્સમાં બે બેઠકો સીનિયર સિટીઝન્સ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે વડીલો જાત્રાએ જવા ઇચ્છતા હોય, તેઓ માત્ર સરકારી વેરો ભરીને આ બેઠકો મેળવી શકશે.
નોંધનીય છે કે એક સમયે પોર્ટુગીઝોએ જેના પર શાસન કર્યું, એવા ગોવા અને પોર્ટુગલ વચ્ચે ગોવાની આઝાદીથી અત્યાર સુધી સીધી શિડ્યુલ્ડ કૉમર્શિયલ ફ્લાઇટ્સ નથી. 1961 પછી પહેલી વાર આ સેવા શરૂ કરીને બ્લિસ ઍરવેઝ અનોખી સિદ્ધિ પોતાના નામે કરશે. કર્મભૂમિ ગોવાના વિકાસમાં અપ્રતિમ યોગદાન આપનારા જગદીશભાઈ સુરત અને વડોદરા ઍરપોર્ટ્સના વિકાસ સાથે ત્યાંથી દુબઈની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના પણ ધરાવે છે.
શ્રી રામદૂત ઍરવેઝનો પ્રારંભ ક્યુ400 સીરિઝના 70/72 બેઠકો વાળાં વિમાન સાથે થશે. કોરોનાને લીધે આયોજન અને મંજૂરીઓ મેળવવામાં થયેલા વિલંબ પછી હવે શ્રી રામદૂત ઍરવેઝ ઝડપી ગતિથી આકાશ જીતવા સજ્જ થઈ રહેલી ઍરલાઇન છે. જગદીશભાઈ પોતાના અનુભવોના નિચોડ અને પ્રવાસીઓને શ્રેષ્ઠતમ પિરસવાના સંકલ્પ સાથે નૉન-શિડ્યુલ ઑપરેટર તરીકે બ્લિસ ઍરવેઝ લાવી રહ્યા છે.