House Rent Rules 2025: ભાડૂઆતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે મકાનમાલિકોની મનમાની નહીં ચાલે; જાણો નવા નિયમો
ડિપોઝિટની મર્યાદા નક્કી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત, નિયમ તોડ્યો તો ભરવો પડશે ₹5,000 નો દંડ.

Home Rent Rules 2025: કેન્દ્ર સરકાર દ્વારા દેશના રિયલ એસ્ટેટ માર્કેટને વધુ સુવ્યવસ્થિત કરવા માટે "હાઉસ રેન્ટ રૂલ્સ 2025" (House Rent Rules 2025) લાગુ કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ભાડા બજારને પારદર્શક બનાવવાનો અને ભાડૂઆતોને સુરક્ષા પૂરી પાડવાનો છે. હવે મકાનમાલિકો મનફાવે તેમ ભાડું વધારી શકશે નહીં કે તોતિંગ ડિપોઝિટની માંગણી કરી શકશે નહીં. આ ઉપરાંત, મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના કરારનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ઉભા થતા વિવાદોને સરળતાથી ઉકેલી શકાય. આ નિર્ણયથી ખાસ કરીને મેટ્રો શહેરોમાં રહેતા લાખો લોકોને મોટી રાહત મળશે.
60 દિવસમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અને દંડની જોગવાઈ
સરકારે ભાડા પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને કાયદાકીય માળખામાં લાવવા પર ભાર મૂક્યો છે. નવા નિયમો મુજબ, મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ (Rent Agreement) પર હસ્તાક્ષર થયાના 60 દિવસની અંદર તેનું ડિજિટલ સ્ટેમ્પિંગ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
દંડ: જો નિયત સમયમાં રજિસ્ટ્રેશન કરવામાં નિષ્ફળ જશો, તો ₹5,000 થી શરૂ થતો દંડ ભરવો પડી શકે છે.
ફાયદો: આ પ્રક્રિયાથી છેતરપિંડી અટકશે અને બંને પક્ષો પાસે કાયદાકીય પુરાવો રહેશે. રાજ્ય સરકારોને પણ પ્રોપર્ટી પોર્ટલ અપગ્રેડ કરવાના નિર્દેશો અપાયા છે.
સિક્યોરિટી ડિપોઝિટ પર મર્યાદા: ભાડૂઆતોને હાશકારો
મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં મકાનમાલિકો સામાન્ય રીતે 10 મહિનાનું ભાડું ડિપોઝિટ પેટે માંગતા હતા, જે મધ્યમ વર્ગ માટે મોટો બોજ હતો.
નવો નિયમ: હવે રહેણાંક (Residential) મિલકતો માટે મકાનમાલિક વધુમાં વધુ 2 મહિનાના ભાડા જેટલી રકમ જ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લઈ શકશે. આ નિયમથી નોકરી કે અભ્યાસ અર્થે સ્થળાંતર કરતા લોકો પરનો આર્થિક બોજ ઘટશે.
ભાડા વધારા અને ખાલી કરાવવાના નિયમો
ઘણીવાર મકાનમાલિકો અચાનક ભાડું વધારી દેતા હતા અથવા ઘર ખાલી કરાવતા હતા, જેના પર હવે રોક લાગશે.
ભાડા વધારો: મકાનમાલિક વર્ષમાં માત્ર એક જ વાર ભાડામાં ફેરફાર કરી શકશે. આ માટે પણ તેમણે ભાડૂઆતને 90 દિવસ અગાઉ લેખિત નોટિસ આપવી પડશે.
અધિકારો: ભાડૂઆતને મકાન ખાલી કરાવવા, રિપેરિંગ અને પ્રાઇવસી સંબંધિત સ્પષ્ટ અધિકારો આપવામાં આવ્યા છે, જેથી ગેરકાયદેસર રીતે કોઈને બેઘર ન કરી શકાય.
નાણાકીય પારદર્શિતા અને TDS
સરકારે રોકડ વ્યવહારો ઘટાડવા અને વિવાદો ટાળવા માટે પેમેન્ટના નિયમો પણ કડક કર્યા છે.
ડિજિટલ પેમેન્ટ: જો માસિક ભાડું ₹5,000 થી વધુ હોય, તો ભવિષ્યના પુરાવા માટે તે ડિજિટલ માધ્યમથી ચૂકવવું હિતાવહ છે.
TDS: જો માસિક ભાડું ₹50,000 થી વધુ હોય, તો આવકવેરા કાયદાની કલમ 194-IB હેઠળ TDS કપાતનું પાલન કરવું ફરજિયાત રહેશે.





















