કામની વાતઃ ૨૫ વર્ષની હોમ લોન માત્ર ૧૦ વર્ષમાં થશે પૂરી, આ ૩ ટિપ્સને છે કામની
EMIના બોજથી છો પરેશાન? આ સ્માર્ટ વ્યૂહરચનાથી લોનનો સમયગાળો ઘટાડી કરો લાખોની બચત.

Close home loan early: આજકાલ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય, પરંતુ ઘર ખરીદવું એ સૌથી મોંઘા સોદાઓમાંનું એક છે અને મોટાભાગના લોકો આ માટે હોમ લોન લેતા હોય છે. હોમ લોનની EMI દર મહિને પગારનો મોટો હિસ્સો લઈ જાય છે, જેના કારણે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની લોન વહેલી તકે પૂરી થઈ જાય. જો તમે પણ હોમ લોનના બોજથી પરેશાન છો, તો કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે તમારી ૨૫ વર્ષની લોનને માત્ર ૧૦ વર્ષમાં જ પૂરી કરી શકો છો અને વ્યાજના લાખો રૂપિયા પણ બચાવી શકો છો. ચાલો જાણીએ આ ત્રણ ખાસ ટિપ્સ વિશે...
માની લો કે તમે ૨૫ વર્ષ માટે ૮.૫ ટકાના વ્યાજ દરે ૫૦ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. આ મુજબ તમારી માસિક હોમ લોન EMI ૪૦,૦૦૦ રૂપિયા થાય છે. શરૂઆતના વર્ષોમાં બેંક તમારી લોન પર વધુ વ્યાજ વસૂલ કરે છે. ઉદાહરણ તરીકે, તમે ૪૦,૦૦૦ રૂપિયાની EMI દ્વારા વર્ષે ૪.૮૦ લાખ રૂપિયા ચૂકવો છો, પરંતુ તમારી લોનની મૂળ રકમમાં માત્ર ૬૦,૦૦૦ રૂપિયાનો ઘટાડો થાય છે અને ૪.૨૦ લાખ રૂપિયા તો માત્ર વ્યાજની ચૂકવણીમાં જ જાય છે.
પહેલી ટિપ: જો તમે આ ૨૫ વર્ષની હોમ લોનને માત્ર ૧૦ વર્ષમાં પૂરી કરવા માંગો છો, તો તમારે એક ખાસ વ્યૂહરચના સાથે ચુકવણી કરવી પડશે. તેની પહેલી ટિપ એ છે કે તમારે દર વર્ષે એક EMI વધારાની ચૂકવવી પડશે, એટલે કે, દરેક માસિક હપ્તા સિવાય વર્ષમાં એક વાર ૪૦,૦૦૦ રૂપિયાની વધારાની ચુકવણી કરો. આનાથી તમારી લોનની મુદત ૨૫ વર્ષથી ઘટીને લગભગ ૨૦ વર્ષ થઈ જશે.
બીજી ટિપ: બીજી ટિપ એ છે કે તમારે દર વર્ષે તમારી EMIમાં ૭.૫ ટકાનો વધારો કરવો પડશે. આમ કરવાથી તમારી લોનની મુદત ૨૫ વર્ષથી ઘટીને માત્ર ૧૨ વર્ષ થઈ જશે. લોનની મુદત ટૂંકી થવાથી તમારે ઓછા સમય માટે ઓછી રકમ ચૂકવવી પડશે અને તમે જલ્દીથી લોનના ચક્રમાંથી બહાર આવી શકશો.
ત્રીજી ટિપ: હવે અમે તમને ત્રીજી અને સૌથી મહત્વની ટિપ વિશે જણાવીશું. આ ટિપ ઉપર જણાવેલી બંને ટિપ્સનું મિશ્રણ છે. જો તમે દર વર્ષે ૪૦,૦૦૦ રૂપિયાનો વધારાનો હપ્તો જમા કરો છો અને સાથે જ દર વર્ષે તમારી EMIમાં ૭.૫ ટકાનો વધારો કરો છો, તો તમારી ૨૫ વર્ષની લોન માત્ર ૧૦ વર્ષમાં જ પૂરી થઈ જશે. આ વ્યૂહરચના અપનાવીને તમે લાખો રૂપિયાનું વ્યાજ બચાવી શકો છો અને તમારા ઘરનું સપનું પણ વહેલું સાકાર કરી શકો છો.





















