ICICI બેન્કે કેમ બ્લોક કર્યા 17000 કાર્ડ, કહ્યુ- 'પ્રભાવિત ગ્રાહકોને આપીશું યોગ્ય વળતર'
બેન્કે એમ પણ કહ્યું છે કે તમામ યુઝર્સને નવું કાર્ડ આપવામાં આવશે.
દેશની બીજી સૌથી મોટી ખાનગી ICICI બેન્કના ગ્રાહકો ચોક્કસપણે આ સાંભળીને ચોંકી જશે કે બેન્કક દ્વારા જાહેર કરાયેલા કાર્ડ કથિત રીતે ખોટા લોકો સુધી પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બેન્કે તરત જ આની નોંધ લીધી છે અને તમામ યુઝર્સના કાર્ડ બ્લોક કરી દીધા છે. બેન્કે એમ પણ કહ્યું છે કે તમામ યુઝર્સને નવું કાર્ડ આપવામાં આવશે.
ICICI બેન્કના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર કરાયેલા 17,000 ક્રેડિટ કાર્ડને બેન્કની ડિજિટલ ચેનલમાં ભૂલથી ખોટા યુઝર્સ સાથે મેપ કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું, “તાત્કાલિક પગલા તરીકે અમે આ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે અને ગ્રાહકોને નવા કાર્ડ જાહેર કરી રહ્યા છીએ. ગ્રાહકોને થયેલી આ અસુવિધા માટે અમે દિલગીર છીએ.”
બેન્કે એમ પણ કહ્યું કે પ્રભાવિત ક્રેડિટ કાર્ડની સંખ્યા "બેન્તના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના આશરે 0.1 ટકા" છે. પ્રવક્તાએ કહ્યું હતું કે “આ સેટમાંના કોઈપણ કાર્ડના દુરુપયોગનો કોઈ કેસ અમારા ધ્યાન પર આવ્યો નથી. જો કે, અમે ખાતરી આપીએ છીએ કે બેન્ક કોઈપણ નાણાકીય નુકસાનના કિસ્સામાં ગ્રાહકને યોગ્ય વળતર આપશે."
નોંધનીય છે કે આઈસીઆઈસીઆઈ બેન્કની મોબાઇલ એપ્લિકેશન iMobile Pay પર ટેકનિકલ સમસ્યાઓના અહેવાલો આવ્યા છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે તેઓ આ પ્લેટફોર્મ પર અન્ય લોકોના ક્રેડિટ કાર્ડની સંવેદનશીલ માહિતી જોઈ શકે છે. આ સમસ્યા પ્રકાશમાં આવતાની સાથે જ ICICI બેન્ક એક્શનમાં આવી અને હાલમાં iMobile યુઝર્સ એપ પર તેમના ક્રેડિટ કાર્ડની વિગતો જોઈ શકતા નથી. સંભવતઃ બેન્કે સુરક્ષાનાં પગલાં લીધાં છે અને દરેકના કાર્ડની વિગતોની દૃશ્યતા અટકાવી દીધી છે.
સુમંત મંડલે લખ્યું છે કે ઘણા યુઝર્સને જાણ કરી છે કે તેઓ તેમની iMobile એપ પર અન્ય ગ્રાહકોના ICICI બેન્ક ક્રેડિટ કાર્ડની વિગતો જોઈ શકે છે. આમાં મોબાઈલ પર ક્રેડિટ કાર્ડનો સંપૂર્ણ નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન સેટિંગ્સને મેનેજ કરવાનો વિકલ્પ પણ જોઈ શકાય છે. તેથી, કોઈપણ માટે આવા વપરાશકર્તાઓના ક્રેડિટ કાર્ડ્સ પર આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવાનું શક્ય બનશે, જે મોટી નાણાકીય સમસ્યાઓ ઊભી કરી શકે છે.