Twitter CEO Parag Agrawal Salary: ટ્વીટરના નવા સીઈઓને મળશે તગડું પેકેજ, આંકડો જાણીને રહી જશો દંગ
Twitter CEO: માઇક્રોબ્લોગિંગ કંપનીના બોર્ડે ભારતીય મૂળના સીટીઓ પરાગની નવા સીઈઓ તરીકે વરણી કરી છે. જે બાદ હવે તેમના પગારની વિગત પણ સામે આવી છે
Parag Agrawal Salary: Twitterના પૂર્વ CEO જેક ડોર્સીએ પદ છોડ્યા બાદ સોમવારે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. માઇક્રોબ્લોગિંગ કંપનીના બોર્ડે ભારતીય મૂળના સીટીઓ પરાગની નવા સીઈઓ તરીકે વરણી કરી છે. જે બાદ હવે તેમના પગારની વિગત પણ સામે આવી છે.
કેટલું મળશે પેકેજ
કંપનીએ જણાવ્યા મુજબ, પરાગ અગ્રવાલને એક મિલિયન ડોલર એટલે કે 7 કરોડ 50 લાખ 54 હજાર 500 રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. આ ઉપરાંત બોનસ સાથે પ્રતિબંધિત શેર યૂનિટ સહિત 12.5 મિલિયન ડોલર (આશરે 93 કરોડ રૂપિયા) મૂલ્યના પ્રદર્શન આધારિત સ્ટોક યૂનિટ પણ આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર પરાગની કુલ આવક 1.52 મિલિયન ડોલર (સાડા 9 કરોડ રૂપિયાથી વધારે) છે.
જેક ડોર્સીએ પણ કરી પ્રશંસા
જેક ડોર્સીએ પદ છોડ્યા બાદ પરાગ અગ્રવાલની નિમણૂક કરવા પર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું, પરાગ અનેક મહત્વપૂર્ણ નિર્ણય પાછળ રહ્યા છે. જેના કારણે આ કંપનીને ફાયદો થયો છે. પરાગ અગ્રવાલની ગઈકાલે ટ્વીટરના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બાદ મોઈક્રોસોફ્ટના સત્યા નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઈ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા તથા એડોબના શાંતનુ નારાયણ જેવા ભારતના વૈશ્વિક સીઈઓના લિસ્ટમાં તે સામેલ થયા છે.
2011માં કંપની સાથે જોડાયા હતા પરાગ
પરાગ અગ્રવાલ 2011માં ટ્વીટર સાથે જોડાયા હતા. આ પહેલા યાહૂ અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કામ કરી ચુક્યા છે. આઈઆઈટી બોમ્બેથી એન્જિનિયરિંગ કર્યા બાદ તેમણે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં પીએચડી કર્યુ છે. ટ્વીટરે તેમને ઓક્ટોબર 2017માં કંપનીના CTO બનાવ્યા હતા.
2016માં કર્યા લગ્ન
ટ્વીટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલે ઓક્ટોબર 2015માં વિનીતા સાથે સગાઈ કરી હતી. જે બાદ જાન્યુઆરી 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલ પરાગ પત્ની સાથે સાન ફ્રાન્સિસ્કોરમાં રહે છે અને તેમને એક પુત્ર પણ છે. જેનું નામ અંશ છે.