LIC Share Price: લિસ્ટિંગ પછી LICના શેરમાં સૌથી મોટો ઉછાળો, જાણો સ્ટોક કેટલો ઉછળ્યો અને શું છે કારણ
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયાના થોડા દિવસો પહેલા, એવી અટકળો વહેતી થઈ હતી કે LIC તેના રોકાણકારોને બોનસ શેર જારી કરી શકે છે.
LIC Share Price: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) નો સ્ટોક 14 નવેમ્બરે જ શરૂઆતના ટ્રેડમાં 5% વધ્યો હતો. કંપનીનો સ્ટોકના લિસ્ટિંગ પછી આ સૌથી મોટો ઉછાળો છે. LICના શેરમાં વધારો થવાનું સૌથી મોટું કારણ તેના ઉત્તમ પરિણામો (સપ્ટે. Q2) છે. કંપનીએ શુક્રવારે તેના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. સવારે 10.47 વાગ્યે, LICના શેર 5.75% વધીને રૂ. 663.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયાના થોડા દિવસો પહેલા, એવી અટકળો વહેતી થઈ હતી કે LIC તેના રોકાણકારોને બોનસ શેર જારી કરી શકે છે. 31 ઓક્ટોબરે LICના શેરમાં 2.5 ટકાનો વધારો થયો હતો.
આ પછી, 11 નવેમ્બરે, એલઆઈસીના શેર આગલા દિવસના બંધ ભાવથી 1.17% વધીને રૂ. 628 પર બંધ થયા. છેલ્લા એક મહિનામાં LICના શેરમાં લગભગ 9%નો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામોને જોતા શક્ય છે કે આ તેજી ભવિષ્યમાં પણ ચાલુ રહે.
LICના પરિણામો કેવા રહ્યા?
LICનું સપ્ટેમ્બર ક્વાર્ટર શાનદાર રહ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો અનેક ગણો વધીને રૂ. 15,952 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો 1433 કરોડ રૂપિયા હતો.
જૂન ક્વાર્ટરમાં વીમા કંપનીનો ચોખ્ખો નફો માત્ર રૂ. 682.9 કરોડ હતો. કોઈપણ વીમા કંપનીનો વ્યવસાય તેના પ્રથમ વર્ષના પ્રીમિયમ પરથી માપી શકાય છે. તે મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં LICનું પ્રથમ વર્ષનું પ્રીમિયમ રૂ. 9124.7 કરોડ હતું. એક વર્ષ પહેલા તે 8198.30 કરોડ રૂપિયા હતો.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં LICની ચોખ્ખી પ્રીમિયમ આવક રૂ. 1.32 લાખ કરોડ હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી પ્રીમિયમ આવક રૂ. 1.04 લાખ કરોડ હતી.
LICનું પ્રથમ વર્ષનું પ્રીમિયમ પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 11% વધીને રૂ. 9124.7 કરોડ થયું છે. એક વર્ષ પહેલા તે 8198.30 કરોડ રૂપિયા હતો. રિન્યુઅલ પ્રીમિયમ 2% વધીને રૂ. 56,156 કરોડ થયું છે. જ્યારે સિંગલ પ્રીમિયમ 62% વધીને રૂ. 66,901 કરોડ થયું છે.