New Labor Laws: શું 1 વર્ષની નોકરી કરનારાઓને પણ મળશે લાભ? જાણો ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નવા નિયમો
29 જૂના કાયદા રદ, હવે કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓ માટે સમાન સુરક્ષા; જાણો આ ફેરફારો તમારા ખિસ્સા પર કેવી અસર કરશે.

new labour laws: દેશમાં રોજગાર અને શ્રમ ક્ષેત્રે ઐતિહાસિક સુધારાઓ અમલમાં આવ્યા છે. 21 November ના રોજથી નવા શ્રમ સંહિતા (Labor Codes) લાગુ થતાની સાથે જ કરોડો નોકરિયાત વર્ગના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવ્યા છે. સરકારે વર્ષો જૂના 29 કાયદાઓને નાબૂદ કરીને 4 નવા કોડ અમલમાં મૂક્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીઓ અને કર્મચારીઓ બંને માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ ફેરફારો માત્ર જૂના અને કાયમી કર્મચારીઓ માટે છે કે પછી 1 વર્ષથી કામ કરતા લોકોને પણ તેનો ફાયદો થશે? આ લેખમાં આપણે ખાસ કરીને ટૂંકા ગાળાની સર્વિસ ધરાવતા કર્મચારીઓને થતા ફાયદાઓ વિશે વિગતવાર વાત કરીશું.
શું 1 વર્ષની નોકરી પર મળશે લાભ?
ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન છે કે શું નવા નિયમો તેમને લાગુ પડે છે? તો જવાબ છે - હા. નવા શ્રમ સંહિતાનો વ્યાપ માત્ર લાંબા ગાળાના કર્મચારીઓ પૂરતો સીમિત નથી. જો તમે કોઈ સંસ્થામાં માત્ર 1 વર્ષથી કામ કરી રહ્યા છો, તો પણ તમને ઘણા મહત્વના લાભો મળશે.
ગ્રેચ્યુઇટીમાં મોટો ફેરફાર: સૌથી મહત્વપૂર્ણ સુધારો ગ્રેચ્યુઇટીના નિયમોમાં છે. અગાઉ ગ્રેચ્યુઇટી મેળવવા માટે સતત 5 વર્ષની નોકરી ફરજિયાત હતી. હવે, નવા નિયમો મુજબ 1 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારી પણ તેના કાર્યકાળના આધારે ગ્રેચ્યુઇટી મેળવવા માટે હકદાર બનશે. આ નિયમ ખાસ કરીને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ (Fixed Term Employees) માટે આશીર્વાદરૂપ છે.
PF અને સામાજિક સુરક્ષાનું કવચ
નવા કાયદાઓમાં પ્રોવિડન્ટ ફંડ (PF) અને સામાજિક સુરક્ષા (Social Security) ને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ લઘુત્તમ વેતન અને સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે.
કોને થશે ફાયદો? દૈનિક વેતન પર કામ કરતા મજૂરો, ઘરકામ કરતા લોકો અને નાના એકમોમાં કામ કરતા કર્મચારીઓને હવે સુરક્ષિત લાભો મળશે. એટલે કે, જો તમે ટૂંકા ગાળા માટે પણ જોડાયા હોવ, તો પણ તમે સામાજિક સુરક્ષાના હકદાર છો.
વર્ક કલ્ચરમાં આવેલા ક્રાંતિકારી ફેરફારો
કામકાજના સ્થળે કર્મચારીઓની સુવિધા અને સુરક્ષા માટે નવા નિયમોમાં કેટલીક કડક જોગવાઈઓ કરવામાં આવી છે:
ઓવરટાઇમ (Overtime): જો કોઈ કર્મચારી નિયત કલાકો કરતા વધુ કામ કરે છે, તો તેને સામાન્ય પગાર કરતા ઓછામાં ઓછો બમણો (Double) પગાર ઓવરટાઇમ તરીકે ચૂકવવો પડશે.
મહિલાઓ માટે નાઈટ શિફ્ટ: મહિલા કર્મચારીઓ હવે તેમની સંમતિથી રાત્રિ પાળી (Night Shift) માં કામ કરી શકશે. જોકે, કંપનીએ તેમની સુરક્ષા, આવવા-જવાની વ્યવસ્થા (Cab Facility) અને કામના કલાકો અંગે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે.
વર્ક ફ્રોમ હોમ (WFH): સર્વિસ સેક્ટર માટે 'વર્ક ફ્રોમ હોમ'ને હવે કાયદાકીય રીતે ઔપચારિક માન્યતા આપવામાં આવી છે, જેથી કર્મચારી અને કંપની વચ્ચેની શરતો સ્પષ્ટ રહે.
વિવાદ નિવારણ અને કોન્ટ્રાક્ટ લેબર
કામકાજ દરમિયાન થતા વિવાદોને ઝડપથી ઉકેલવા માટે 2 સભ્યોની ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ હવે એવી જગ્યાઓ પર જ લાગુ થશે જ્યાં 50 કે તેથી વધુ કોન્ટ્રાક્ટ કામદારો હોય. આનાથી નાના ઉદ્યોગો પરનું ભારણ ઘટશે અને મોટા એકમોમાં કામદારોને વધુ સુરક્ષા મળશે.
તમારા માટે શું છે આગામી સ્ટેપ?
જો તમે નોકરિયાત છો, તો તમારી કંપનીના HR વિભાગ સાથે વાત કરીને તમારી ગ્રેચ્યુઇટી અને PF ની ગણતરી નવા નિયમો મુજબ થઈ રહી છે કે કેમ તેની ખાતરી કરો.





















