વિદેશ પ્રવાસ પર જતા અગાઉ કોને લેવું પડશે ઇન્કમટેક્સ વિભાગ પાસેથી ક્લિયરન્સ સર્ટિફિકેટ? CBDTએ આપી જાણકારી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કયા કેસોમાં ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે તે અંગે વિગતવાર માહિતી આપી છે
Income Tax Clearance Certificate: CBDT એ ભારતીય નાગરિકોને (Indian Citizens) વિદેશ પ્રવાસ કરતા પહેલા ઈન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ(Income-Tax Clearance Certificate) મેળવવાની જરૂરિયાત અંગે ફેલાવવામાં આવેલા ખોટા સમાચાર અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. ટેક્સ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે, એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે દેશ છોડતા પહેલા તમામ નાગરિકો માટે ઈન્કમ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. CBDTએ કહ્યું હતું કે આ સત્ય નથી.
CBDT issues clarification in respect of Income-tax clearance certificate (ITCC)
— PIB India (@PIB_India) August 21, 2024
It is being erroneously reported that all Indian citizens must obtain income-tax clearance certificate (ITCC) before leaving the country - a position that is factually incorrect
Read here:…
નિયમો બધા નાગરિકોને લાગુ પડતા નથી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કયા કેસોમાં આવકવેરા ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે તે અંગે વિગતવાર માહિતી આપી છે. ટેક્સ વિભાગે કહ્યું કે, આવકવેરા કાયદાની કલમ 230 હેઠળ તમામ નાગરિકો માટે વિદેશ પ્રવાસ કરતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું જરૂરી નથી. અમુક વ્યક્તિઓના કિસ્સામાં ખાસ સંજોગોમાં ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે આ જોગવાઈ 2003થી અમલમાં છે અને ફાયનાન્સ (નંબર- 2) અધિનિયમ 2024માં સુધારો કરવા છતાં આ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા વ્યક્તિને નિયમો લાગુ પડે છે
આવકવેરા વિભાગે કહ્યું કે 5 ફેબ્રુઆરી, 2024ના રોજ સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા કાયદાની કલમ 230 (1A) હેઠળ ભારતમાં રહેતા ક્યા નાગરિકોને દેશ છોડતા પહેલા આવકવેરા ક્લિયરન્સ પ્રમાણપત્રની જરૂર પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલ હોય અને આવકવેરા અધિનિયમ અથવા વેલ્થ ટેક્સ એક્ટ હેઠળ આ કેસોની તપાસ માટે તે વ્યક્તિ માટે તે દેશમાં હોવું જરૂરી છે અને તે વ્યક્તિ વિરુદ્ધ ટેક્સ ડિમાન્ડ જાહેર કરવામાં આવી શકે છે તો એવા વ્યક્તિએ દેશ છોડતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે.
જો 10 લાખ રૂપિયાનો ટેક્સ બાકી હોય તો
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પર 10 લાખ રૂપિયાથી વધુ ડાયકેક્ટ ટેક્સ એરિયર બાકી છે અને કોઈ સત્તાવાળાએ તેના પર રોક લગાવી ન હોય તો આવી વ્યક્તિએ પણ દેશ છોડતા પહેલા ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે. કોઈપણ વ્યક્તિને આવકવેરા પ્રમાણપત્ર મેળવવા માટે કહેવામાં આવે તે પહેલાં તેણે કારણો રેકોર્ડ કરવા પડશે અને પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અથવા ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ પાસેથી મંજૂરી મેળવવી પડશે. CBDTએ તેની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે માત્ર ખાસ કિસ્સાઓમાં ભારતીય નાગરિકોએ દેશ છોડતા પહેલા આવકવેરા ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવવું પડશે. જેમાં ગંભીર નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હોય અને બાકી ટેક્સની માંગ 10 લાખ રૂપિયાથી વધુ હોય.