RBI Missing Notes: RTIમાં ચોંકાવનારો ખુલાસો, 88 હજાર કરોડ રુપિયાથી વધુની નોટ ગાયબ
નોટના પ્રિન્ટિંગથી લઈને સર્ક્યુલેશન સુધીનું કામ ખૂબ જ સુરક્ષિત માહોલમાં કરવામાં આવે છે. તે જરૂરી પણ હોય છે, કારણ કે કોઈપણ દેશનું ચલણ તેના અર્થતંત્રની કરોડરજ્જુ હોય છે.
નોટના પ્રિન્ટિંગથી લઈને સર્ક્યુલેશન સુધીનું કામ ખૂબ જ સુરક્ષિત માહોલમાં કરવામાં આવે છે. તે જરૂરી પણ હોય છે, કારણ કે કોઈપણ દેશનું ચલણ તેના અર્થતંત્રની કરોડરજ્જુ હોય છે. હવે જો તમને કહેવામાં આવે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં પણ મોટી માત્રામાં નવી નોટો ગુમ થઈ ગઈ છે, તો તમને કદાચ આ રમૂજ લાગશે, પરંતુ આ સાચું છે.
RTI ના સવાલથી ખુલાસો થયો
મિંટ સહિત ઘણા મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહેલા અહેવાલો અનુસાર, જે નોટો ગુમ થઈ છે તે 500 રુપિયાની નવી ડિઝાઈનની છે. હેરાન કરતી વાત તો એ છે કે ગુમ થયેલી નોટોની કિંમત 1000-500ની નહીં પરંતુ 88 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ વાતનો ખુલાસો માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ પૂછવામાં આવેલા સવાલોમાં થયો છે.
આટલા હજાર કરોડની નોટ ગાયબ
આરટીઆઈ એક્ટિવિસ્ટ મનોરંજન રોયે આ સંદર્ભમાં પ્રશ્નો પૂછ્યા હતા અને જવાબમાં તેમને જે આંકડા મળ્યા તે આશ્ચર્યજનક હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી ડિઝાઈનવાળી 500 રૂપિયાની લાખો નોટો ગાયબ થઈ છે તેની કિંમત 88,032.5 કરોડ રૂપિયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ત્રણ પ્રિન્ટિંગ પ્રેસે મળીને નવી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 881.065 કરોડ નોટો છાપી હતી, પરંતુ રિઝર્વ બેંકને તેમાંથી માત્ર 726 કરોડ નોટ જ મળી હતી. કુલ મળીને 500 રુપિયાની 176.065 કરોડ નોટો ગુમ થઇ છે, જેની કિંમત રૂ. 88,032.5 કરોડ છે.
આ ત્રણ જગ્યાએ પ્રિન્ટીંગ થાય છે
ભારતમાં ત્રણ પ્રિન્ટિંગ પ્રેસમાં નોટ છાપવામાં આવે છે. આ પ્રિન્ટીંગ પ્રેસ ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ, નાસિક સ્થિત કરન્સી નોટ પ્રેસ અને દેવાસ બેંક નોટ પ્રેસમાં છાપવામાં આવે છે.
RTIના જવાબમાં નાસિક મિંટે કહ્યું કે તેણે 2016-17માં રિઝર્વ બેંકને 500 રૂપિયાની 166.20 કરોડ નોટ સપ્લાય કરી હતી. એ જ રીતે 2016-17 દરમિયાન બેંગલુરુ મિંટે 519.565 કરોડ નોટો અને દેવાસ મિંટે 195.30 કરોડ નોટ સપ્લાય કરી હતી. આ રીતે ત્રણેય મિંટે મળીને રિઝર્વ બેંકને 500 રૂપિયાની 881.065 કરોડ નોટો સપ્લાય કરી હતી. રિઝર્વ બેંકનું કહેવું છે કે તેને 500 રૂપિયાની માત્ર 726 કરોડ નોટ મળી છે.
આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર નાસિક મિંટે એપ્રિલ 2015થી ડિસેમ્બર 2016 દરમિયાન નવી ડિઝાઈન 500ની 37 કરોડ 54 લાખ 50 હજાર નોટો છાપી હતી, જ્યારે રિઝર્વ બેંક પાસે માત્ર 34 કરોડ 50 લાખ નોટોનો રેકોર્ડ છે. ગુમ થયેલી 176.065 કરોડ નોટોમાંથી 21 કરોડ નાસિક મિંટમાં એપ્રિલ 2015 થી માર્ચ 2016 દરમિયાન છાપવામાં આવી હતી, જ્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા.
કાર્યકર્તાએ તપાસની માંગ કરી હતી
અહેવાલો અનુસાર, આરટીઆઈ કાર્યકર્તા રોયે આ આંકડા સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરો અને ઈડીને પણ મોકલ્યા છે. તેમણે આ ગોટાળાની તપાસની માંગણી કરી છે. હજુ સુધી રિઝર્વ બેંક તરફથી આ મામલે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ માહિતી સામે આવ્યા બાદ બધાને આશ્ચર્ય થયું છે કે નોટોનું પ્રિન્ટિંગ અને સપ્લાય અત્યંત સુરક્ષા સાથે કરવામાં આવી રહ્યું હોવા છતાં આટલા મોટા પાયે નોટો ક્યાં ગાયબ થઈ ગઈ.