SBI ગ્રાહકોને ઝટકો: ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, સેલેરી એકાઉન્ટના નિયમો પણ બદલાયા
અન્ય બેંકોના ATM નો ઉપયોગ કરનારા ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધ્યો, હવે મફત લિમિટ પૂરી થયા બાદ ચૂકવવો પડશે વધારે ચાર્જ.

SBI ATM Charges Hike 2026: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India - SBI) ના કરોડો ગ્રાહકો માટે એક મહત્વના અને થોડા નિરાશાજનક સમાચાર છે. જો તમે વારંવાર રોકડ રકમ મેળવવા માટે એટીએમ (ATM) નો ઉપયોગ કરો છો, તો તમારે હવે વધારે પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. બેંક દ્વારા એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ (ATM Transaction Charges) માં વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવી ચૂક્યા છે. ખાસ કરીને જે ગ્રાહકો અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરે છે, તેમના પર આ નિર્ણયની સીધી અસર પડશે.
ચાર્જ વધારવા પાછળનું કારણ શું?
એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એટીએમ અને એડીડબલ્યુએમ (Automated Deposit cum Withdrawal Machines) પર લાગતી 'ઇન્ટરચેન્જ ફી' (Interchange Fee) માં વધારો થયો હોવાથી બેંકે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ખર્ચને પહોંચી વળવા માટે બેંકે સર્વિસ ચાર્જના નિયમોમાં સુધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ફેબ્રુઆરી 2025 માં પણ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
સામાન્ય બચત ખાતા પર અસર (Savings Account Rules)
સામાન્ય બચત ખાતાધારકો માટે રાહતની વાત એ છે કે મફત ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. ગ્રાહકો હજુ પણ અન્ય બેંકોના એટીએમ પર દર મહિને 5 મફત (નાણાકીય અને બિન-નાણાકીય) વ્યવહારો કરી શકશે. પરંતુ, આ લિમિટ પૂરી થયા બાદ જે ચાર્જ લાગે છે તેમાં વધારો થયો છે:
રોકડ ઉપાડ (Cash Withdrawal): અગાઉ ₹21 + GST હતો, જે હવે વધીને ₹23 + GST થયો છે.
બિન-નાણાકીય વ્યવહાર (જેમ કે બેલેન્સ ચેક): અગાઉ ₹10 + GST હતો, જે હવે ₹11 + GST કરવામાં આવ્યો છે.
સેલેરી એકાઉન્ટ ધારકો માટે મોટો ફેરફાર
નોકરિયાત વર્ગ, જેમના એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ (Salary Accounts) છે, તેમના માટે નિયમો કડક બન્યા છે. અગાઉ સેલેરી એકાઉન્ટ પર અન્ય બેંકના એટીએમમાંથી પણ 'અનલિમિટેડ' ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળતી હતી, જે હવે બંધ કરી દેવામાં આવી છે.
હવે નોન-એસબીઆઈ એટીએમ પર મહિને માત્ર 10 મફત ટ્રાન્ઝેક્શન મળશે.
10 ટ્રાન્ઝેક્શન પૂરા થયા બાદ, રોકડ ઉપાડ પર ₹23 + GST અને અન્ય વ્યવહાર પર ₹11 + GST ચાર્જ લાગશે.
કોને અસર નહીં થાય?
બેંકે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ (BSBD Account) ધરાવતા ગ્રાહકોને રાહત આપી છે, તેમના માટે કોઈ નવો ચાર્જ લાગુ કર્યો નથી. આ ઉપરાંત, જો તમે એસબીઆઈના એટીએમમાં એસબીઆઈના જ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો જૂના દરો યથાવત રહેશે. વળી, બેંક દ્વારા કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ (Cardless Cash Withdrawal) સુવિધા હાલ પૂરતી મફત અને અમર્યાદિત રાખવામાં આવી છે. તેથી ચાર્જથી બચવા માટે ગ્રાહકોએ એસબીઆઈ એટીએમ અથવા ડિજિટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરવો હિતાવહ રહેશે.





















