આ છે દેશનું એકમાત્ર કરમુક્ત રાજ્ય, અબજોની કમાણી હોય તો પણ લોકોએ 1 રૂપિયાનો ટેક્સ નથી ચૂકવવો પડતો
આ રાજ્યમાં રહેતા લોકોએ તેમની કમાણી પર એક પણ રૂપિયાનો આવકવેરો ચૂકવવો પડતો નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 372 (F) અનુસાર, સિક્કિમના લોકોને કરવેરાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે.
Income Tax Free State in India: દેશમાં આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જે લોકોની આવક આવકવેરાના દાયરામાં આવે છે, તેમના માટે આવકવેરો ભરવો જરૂરી છે. આવકવેરા અધિનિયમ, 1961 દેશમાં કર ફાઈલિંગને ફરજિયાત બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું રાજ્ય પણ છે જ્યાંના લોકોએ તેમની આવક પર કોઈપણ પ્રકારનો આવકવેરો ચૂકવવો પડતો નથી. આ રાજ્યના લોકો જો વાર્ષિક કરોડો રૂપિયા પણ કમાય તો પણ આવકવેરા તરીકે આવકવેરા વિભાગ તેમની પાસેથી 1 રૂપિયો પણ વસૂલી શકતું નથી. જાણો કારણ શું છે.
ભારતમાં માત્ર એક જ રાજ્ય છે જે કરમુક્ત રાજ્ય તરીકે ઓળખાય છે. આ રાજ્યનું નામ છે સિક્કિમ (Sikkim). આ રાજ્યમાં રહેતા લોકોએ તેમની કમાણી પર એક પણ રૂપિયાનો આવકવેરો ચૂકવવો પડતો નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 372 (F) અનુસાર, સિક્કિમના લોકોને કરવેરાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે.
આવકવેરાના મામલામાં સિક્કિમના લોકોને આટલી મોટી રાહત કેમ આપવામાં આવી છે? સ્વાભાવિક છે કે આ પ્રશ્ન જરૂર તમારા મનમાં હશે. તો તમને જણાવી દઈએ કે 1975માં સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ થયું હતું, પરંતુ સિક્કિમ આ શરતે ભારતમાં જોડાયું હતું કે તે તેના જૂના કાયદાઓ અને વિશેષ દરજ્જો જાળવી રાખશે, આ શરત સ્વીકારવામાં આવી હતી. અહીંના મૂળ નિવાસીઓને આવકવેરા અધિનિયમની કલમ, 1961ની કલમ 10 (26AAA) હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળેલી છે. નોંધનીય છે કે સિક્કિમને બંધારણના આર્ટિકલ 371 એફ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.
કલમ 10 (26AAA) હેઠળ નિયમ છે કે સિક્કિમના કોઈપણ નિવાસીની આવક કરના દાયરાની બહાર રહેશે, પછી ભલે તે કોઈપણ પ્રકારની સિક્યોરિટીમાંથી મળેલા વ્યાજથી આવી હોય કે ડિવિડન્ડથી. તેમાં કહેવામાં આવ્યું છે કે સિક્કિમના ભારતમાં વિલીનીકરણ પહેલાં જે લોકો ત્યાં વસ્યા હતા, પછી ભલે તેમનું નામ સિક્કિમ સબ્જેક્ટ્સ રેગ્યુલેશન્સ, 1961ના રજિસ્ટરમાં હોય કે ન હોય, તેમને આવકવેરા અધિનિયમની કલમ 10(26AAA) હેઠળ મુક્તિ મળે છે.
નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24 અને આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા નજીક આવી ગઈ છે. આવકવેરા રિટર્ન 31 જુલાઈ, 2024 સુધીમાં દાખલ કરવું આવશ્યક છે. નહીંતર પછીથી તમારે દંડ ચૂકવવો પડશે. આવકવેરા રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદા જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા એક્સ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આકારણી વર્ષ 2024-25 માટે 26 જુલાઈ, 2024 સુધીમાં 5 કરોડથી વધુ આઈટી રિટર્ન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરવામાં આવ્યા છે.