શેરબજારમાં હાહાકાર: માત્ર 2 દિવસમાં સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, જાણો મુખ્ય કારણો
Stock Market Crash: શેરબજાર તૂટવા પાછળનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ (US Fed) ની આગામી બેઠક છે.

Stock Market Crash: દલાલ સ્ટ્રીટમાં ફરી એકવાર મંદીનું મોજું ફરી વળ્યું છે. સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં સેન્સેક્સમાં 1,000 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે રોકાણકારોની અંદાજે 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે. અમેરિકાની આર્થિક નીતિઓ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકાના નિર્ણયો અને ટ્રમ્પની ચેતવણીની સીધી અસર
શેરબજાર તૂટવા પાછળનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ (US Fed) ની આગામી બેઠક છે. વ્યાજદરો અંગે લેવાનારા નિર્ણય પહેલાં રોકાણકારો સાવચેતીના ભાગરૂપે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખા પર નવા ટેરિફ (જકાત) લાદવાના સંકેત આપ્યા છે, જેના કારણે ટ્રેડ વોરનો ભય ઉભો થયો છે. આ અનિશ્ચિતતાએ માર્કેટ સેન્ટિમેન્ટને ખરાબ રીતે અસર કરી છે. પરિણામે, સેન્સેક્સ 436 પોઈન્ટ ઘટીને 84,666 પર અને નિફ્ટી 120 પોઈન્ટના ઘટાડા સાથે 25,839 પર બંધ થયો હતો.
કયા શેરોનું સૌથી વધુ ધોવાણ થયું?
આ ઘટાડામાં મોટા દિગ્ગજ શેરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. સેન્સેક્સમાં 'એશિયન પેઇન્ટ્સ' ના શેરમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો અને તે ₹2,790.90 ના સ્તરે બંધ રહ્યો. આ સિવાય ટેક મહિન્દ્રા (1.99%), HCL ટેક્નોલોજીસ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી અને સન ફાર્મા જેવા શેરોમાં પણ 1% થી વધુનો ઘટાડો નોંધાયો છે. માર્કેટને નીચે લાવવામાં ICICI બેંક, HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ જેવા હેવીવેઈટ શેરોનો મોટો ફાળો રહ્યો હતો.
IT અને ઓટો સેક્ટરમાં મંદી, 6 લાખ કરોડ ડૂબ્યા
સેક્ટર મુજબ વાત કરીએ તો, BSE IT ઇન્ડેક્સમાં 0.89% અને ઓટો ઇન્ડેક્સમાં 0.63% નું ગાબડું પડ્યું હતું. છેલ્લા બે દિવસના આંકડા જોઈએ તો સેન્સેક્સ કુલ 1,045 પોઈન્ટ અને નિફ્ટી 345 પોઈન્ટ તૂટ્યો છે. આ ઘટાડાની સીધી અસર રોકાણકારોની સંપત્તિ પર પડી છે. બે દિવસ પહેલા જે BSE માર્કેટ કેપ ₹470.96 લાખ કરોડ હતું, તે ઘટીને ₹464.91 લાખ કરોડ થઈ ગયું છે. આમ, સીધો હિસાબ માંડીએ તો રોકાણકારોએ માત્ર બે દિવસમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
નિષ્ણાતોનો મત અને બજારની ચાલ
બજારની સ્થિતિ એટલી નાજુક હતી કે 162 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના એક્સપર્ટ વિનોદ નાયરના જણાવ્યા મુજબ, આગામી ફેડ પોલિસીના પરિણામો પહેલા રોકાણકારો સાવધ થયા છે. રૂપિયો નબળો પડવો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી પણ બજારને નીચે લઈ જઈ રહી છે. અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોને લઈને પ્રવર્તતી અસમંજસ પણ બજાર પર દબાણ વધારી રહી છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર સમાચારના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ અવશ્ય લેવી.)





















