વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Surat rescue operation: વાલીઓ માટે લાલબત્તી, ફાયર બ્રિગેડે કિશોરીને વાતોમાં ભોળવીને ફિલ્મી ઢબે બચાવી લીધી, મકાન માલિકે કહ્યું હતું- 'નીચે આવી જા, તારા ધામધૂમથી લગ્ન.

Surat rescue operation: શનિવારે સવારે સુરતના અલથાણ વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી, જે દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારી છે. મોબાઈલ પર વાતચીત દરમિયાન માતાએ ગુસ્સામાં આવીને દીકરીને "જા મરી જા" કહી દેતા, 17 વર્ષીય કિશોરીને એટલું માઠું લાગી આવ્યું કે તે સીધી હાઈરાઈઝ બિલ્ડિંગના 15મા માળે આપઘાત કરવા પહોંચી ગઈ હતી. લગભગ એક કલાક સુધી ચાલેલા શ્વાસ અધ્ધર કરી દેતા ડ્રામા બાદ ફાયર બ્રિગેડની સતર્કતા અને સ્થાનિકોની સમજાવટથી કિશોરીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
સ્વિમ પેલેસમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો
અલથાણ વિસ્તારમાં આવેલા 'સ્વિમ પેલેસ' એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે 9 થી 10 વાગ્યાની આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. મૂળ અયોધ્યાની અને અહીં એક ડોક્ટરના ઘરે ઘરકામ કરતી 17 વર્ષીય કિશોરી બિલ્ડિંગની પેરાપેટ (પાળી) પર ચડી ગઈ હતી અને સતત રડીને બૂમો પાડી રહી હતી કે, "હું કૂદી જઈશ, હું હમણાં જ કૂદી જઈશ." આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
માતાનો ઠપકો બન્યો નિમિત્ત
પ્રાથમિક માહિતી મુજબ, કિશોરીને તેની માતા સાથે ફોન પર કોઈ બાબતે ઝઘડો થયો હતો. વાતચીત દરમિયાન આવેશમાં આવીને માતાએ તેને ઠપકો આપતા કહ્યું હતું કે, "તું મરી જા તો સારું." પોતાની જનેતાના મુખેથી આવા કઠોર શબ્દો સાંભળીને લાગણીશીલ થયેલી દીકરીએ આવેશમાં આવીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો અને તે સીધી બિલ્ડિંગના ટેરેસ પર પહોંચી ગઈ હતી.
સ્થાનિકો અને મકાન માલિકની વિનંતી
જ્યારે કિશોરી મોતની છલાંગ લગાવવાની તૈયારીમાં હતી, ત્યારે બિલ્ડિંગના રહીશો અને વડીલો તેને નીચે ઉતારવા કાલાવાલા કરી રહ્યા હતા.
એક વૃદ્ધ દાદાએ તેને પ્રેમથી સમજાવતા કહ્યું હતું, "બેટા, તું તો રોજ આરતી કરે છે, તું મારી ડાહી દીકરી છે, મારા પર ભરોસો રાખ અને નીચે આવી જા."
તેના મકાન માલિકે પણ ભાવુક થઈને કહ્યું હતું, "જો તું નીચે આવી જઈશ તો તારા લગ્નની તમામ જવાબદારી અમારી, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું, પણ આવું પગલું ન ભર."
ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ, સેફ્ટી નેટ અને જમ્પિંગ કુશન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ મજૂરો જાળી લઈને દોડી આવ્યા હતા. કિશોરી સતત ચેતવણી આપતી હતી કે કોઈ તેની નજીક આવશે તો તે કૂદી જશે. આ નાજુક સ્થિતિમાં ફાયર ઓફિસરે સમયસૂચકતા વાપરીને તેને વાતોમાં ઉલઝાવી રાખી હતી. તેનું ધ્યાન ભટકાવતાની સાથે જ પાછળથી હાઈડ્રોલિક લિફ્ટના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને સુરક્ષિત રીતે પકડી લીધી હતી.
પોલીસ દ્વારા કાઉન્સેલિંગ
એક કલાકની જહેમત બાદ કિશોરીને હેમખેમ નીચે ઉતારવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કિશોરી અને તેના માતા-પિતાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. આ કિસ્સો આવેશમાં આવીને બાળકોને કંઈ પણ કહી દેતા વાલીઓ માટે ગંભીર ચેતવણી સમાન છે.




















