Stock Market Closing: બે દિવસના કડાકા બાદ આજે શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો સુધારો
Stock Market Closing: કારોબારી સપ્તાહના સતત બે દિવસ શેરબજારમાં મંદીનો માહોલ રહ્યા બાદ આજે બુધવારે શેરબજારમાં મોટી રિકવરી સાથે લીલા નિશાન પર બંધ થયો હતો.
Stock Market Closing: કારોબારી સપ્તાહના સતત બે દિવસ શેરબજારમાં મંદીનો માહોલ રહ્યા બાદ આજે બુધવારે શેરબજારમાં મોટી રિકવરી સાથે લીલા નિશાન પર બંધ થયો હતો. શેર માર્કેટના બંને સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા બાદ સતત ઉપર ગયા હતા. સેન્સેક્સમાં 478 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 140 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. આમ સતત ધોવાણ બાદ આજે શેર બજારમાં રોકાણકારોએ ખરીદારીનો મૂડ રાખતાં રિકવરી જોવા મળી હતી.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો વધારો થયો?
બે દિવસની નિરાશા બાદ બુધવારનો દિવસ ભારતીય શેરબજાર માટે સારો રહ્યો. રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. જોકે દિવસભર બજારમાં ઉઠાપટક જોવા મળી હતી. એક સમયે બજાર લાલ નિશાનમાં ટ્રેડ થતું હતું. પરંતુ બપોર બાદ બજારમાં રોકાણકારોએ રસ દાખવતાં ખરીદી શરુ કરી હતી અને આજના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 478 પોઈન્ટના ઉછાળા સાથે 57,625 પોઈન્ટ પર પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,000 પોઈન્ટની સપાટી વટાવીને 140 પોઈન્ટના ઉછાળા સાથે 17,123 પોઈન્ટ પર બંધ થયો હતો.
FMCG અને એનર્જી સેક્ટરમાં ખરીદારી જોવા મળીઃ
આજના કારોબારમાં FMCG સેક્ટર અને એનર્જી સેક્ટરની કંપનીઓમાં રોકાણકારોએ સતત ખરીદી કરતાં આ બંને સેક્ટરમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સની ટોપ 30 કંપનીઓમાં ICICI બેન્ક, ટાઈટન, ભારતી એરટેલ, ડૉ. રેડ્ડી અને એશિયન પેઈન્ટ કંપનીના શેરના ભાવ લાલ નિશાન પર રહ્યા હતા. જ્યારે અન્ય તમામ કંપનીઓના શેરના ભાવ લીલા નિશાન પર બંધ થયા હતા.
તેજી સાથે શરુઆત થઈઃ
વિશ્વભરમાં વધતી મંદી અને વૈશ્વિક દબાણના કારણે ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57,147.32ની સામે 165.17 પોઈન્ટ વધીને 57312.49 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16983.55ની સામે 42 પોઈન્ટ વધીને 17025.55 પર ખુલ્યો હતો. ત્યાર બાદ શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી. જો કે, 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં ધોવાણ થયું હતું અને 57,092ની સપાટી નીચે આવી ગયો હતો. જો કે બાદમાં સતત રિકવરી જોવા મળી હતી.
ભારતીય રૂપિયો ઊંચામાં ખુલ્યો
ભારતીય રૂપિયો બુધવારે 82.32 ના પાછલા બંધની સામે 82.27 પ્રતિ ડોલર પર નજીવો ઊંચો ખુલ્યો હતો.