Banks: બે સરકારી બેન્કોએ ગ્રાહકોને આપ્યો ઝટકો, અચાનક લીધો આ મોટો નિર્ણય
દેશની બે જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના ગ્રાહકોને ઝટકો આપ્યો છે
નવી દિલ્હીઃ દેશની બે જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંક ઓફ બરોડા (BOI) અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે તેમના માર્જિન કૉસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) ના માર્જિનલ કોસ્ટમાં વધારો કર્યો છે. બંન્ને બેંકોએ તેમના MCLR દરમાં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે. તેનાથી ગ્રાહકો માટે મોટાભાગની લોન મોંઘી થશે. MCLR દરમાં વધારાની અસર કાર, પર્સનલ અને હોમ લોન પર પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રેપો રેટમાં સતત વધારો કરી રહી છે.
નવા દરો ક્યારે લાગુ થશે
ઈન્ડિયન ઓવરસીઝ બેંકના નવા વ્યાજ દરો 10 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. બેંકની વેબસાઇટ અનુસાર, ઓવરનાઇટ માટે MCLR 7.05 ટકા હશે. એક મહિના માટે MCLR 7.15 ટકા રાખવામાં આવ્યો છે. ત્રણ અને છ મહિના માટે MCLR 7.70 ટકા રાખવામાં આવ્યો છે. બેંક દ્વારા એક વર્ષની લોન પર MCLR 7.65 ટકાથી વધારીને 7.75 ટકા કરવામાં આવ્યો છે.
બેંક ઓફ બરોડાએ એક વર્ષનો MCLR રેટ 7.70 ટકાથી વધારીને 7.80 ટકા કર્યો છે. બેંકે આ જાણકારી રેગ્યુલેટરી ફાઇલિંગ દરમિયાન આપી છે. છ મહિનાની લોન માટે MCLR 7.55 ટકાથી વધારીને 7.65 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો MCLR 7.45 ટકાથી ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડા દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા દરો 12 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે.
કોઈપણ બેંકના MCLRમાં વધારાથી કાર, પર્સનલ અને હોમ લોન મોંઘી થઈ જાય છે. MCLR વધવાને કારણે તમારી લોનની EMI વધે છે. MCLRમાં વધારો નવા લોન લેનારાઓ માટે સારો નથી. તેનાથી તેમને વધુ મોંઘી લોન મળશે. હાલના ગ્રાહકો માટે, લોન રીસેટની તારીખ આવશે ત્યારે લોન EMI વધી જશે. MCLR એ ન્યૂનતમ દર છે જેના પર બેંકો ગ્રાહકોને લોન આપે છે.
રિઝર્વ બેંકના નિર્ણયની અસર
રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા પગલાની અસર લોનના દરો પર પડી રહી છે. વાસ્તવમાં મે અને જૂન બાદ આરબીઆઈએ ઓગસ્ટ મહિનામાં પણ પોલિસી રેપો રેટમાં વધારો કર્યો હતો. આ રીતે છેલ્લા 4 મહિનામાં રેપો રેટ 1.40 ટકા વધીને 5.40 ટકા થઈ ગયો છે.
મે મહિનામાં પ્રથમ વખત કેન્દ્રીય બેંકે રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યો હતો. આ પછી જૂનની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. ઓગસ્ટમાં રેપો રેટમાં ફરી 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે ત્રણ વખત રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.