AirAsia India Acquisition: એર એશિયા ઇન્ડિયાની 100 હિસ્સેદારી ખરીદવા માંગે છે એર ઇન્ડિયા, ટાટા ગ્રુપે CCIને મોકલ્યો પ્રસ્તાવ
કંપનીએ આ માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) પાસેથી મંજૂરી માંગી છે. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ એર એશિયા ઇન્ડિયામાં 83.67 ટકા હિસ્સો ધરાવે છે
નવી દિલ્હીઃ ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ એર એશિયા ઈન્ડિયાને હસ્તગત કરવાની દરખાસ્ત રજૂ કરી છે. કંપનીએ આ માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) પાસેથી મંજૂરી માંગી છે. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ એર એશિયા ઇન્ડિયામાં 83.67 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો AirAsia Investment Limited (AAIL) પાસે છે, જે મલેશિયાના AirAsia ગ્રુપનો ભાગ છે.
ગયા વર્ષે એર ઈન્ડિયાનો કબજો લીધો હતો
એર ઈન્ડિયા અને તેની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસને ગયા વર્ષે ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હસ્તગત કરાઇ હતી. ટાટા સિંગાપોર એરલાઇન્સ સાથેના સંયુક્ત સાહસમાં વિસ્તારા પણ ચલાવે છે. ટાટા ગ્રૂપ તેના એવિએશન બિઝનેસને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)માં દાખલ કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત સંયોજન એર ઈન્ડિયા લિમિટેડ (AIL) સાથે જોડાયેલ છે જે એર એશિયા (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડની સંપૂર્ણ ઈક્વિટી શેર મૂડી હસ્તગત કરે છે. ચોક્કસ મર્યાદાથી વધુ હિસ્સા સાથેના સોદા માટે CCIની મંજૂરી જરૂરી છે. એર એશિયા ઇન્ડિયાએ જૂન 2014 માં ફ્લાઇટ્સ શરૂ કરી હતી અને કંપની દેશમાં એર પેસેન્જર સેવાઓ, એર કાર્ગો પરિવહન અને ચાર્ટર ફ્લાઇટ્સની સેવા આપે છે. આ કંપની કોઈપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો ભાગ નથી. નોટિસમાં કહેવામાં આવી રહ્યું છે કે સૂચિત પ્રસ્તાવ સ્પર્ધાત્મક લેન્ડસ્કેપને બદલશે નહીં અથવા ભારતમાં સ્પર્ધા પર કોઈ નોંધપાત્ર પ્રતિકૂળ અસર કરશે નહીં.
તમામ ઓફિસો 70 હજાર ચોરસ ફૂટમાં આવશે
ટાટાએ હવે તેની માલિકીની ચાર એરલાઇન્સને એકીકૃત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા, એરએશિયા ઈન્ડિયા અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ ફર્મ એર ઈન્ડિયા SATS એરપોર્ટ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ (AISATS) એક જ ઓફિસમાંથી ઓપરેટ થશે. સૂત્રોએ જણાવ્યું કે ટાટાએ હરિયાણાના ગુરુગ્રામમાં નવી ઓફિસ માટે જગ્યા જોઇ છે. અહીં તે 70,000 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીઝ પર લેશે. આ પ્રક્રિયા એટલા માટે કરવામાં આવી રહી છે જેથી તમામ એકમોને એક છત નીચે લાવી શકાય.