રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં 66 નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.

ગાંધીનગર : રાજ્યમાં નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
જૂનાગઢ મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મોટુ અપડેટ
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અટકી પડેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી 16મી ફેબ્રુઆરીએ 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 18મી ફેબ્રુઆરી કરવામાં આવશે, આજે બપોરે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણને પ્રેસ કૉન્ફરન્સ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને માહિતી આપી હતી. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટુ અપડેટ છે કે આ વખતે ધાનેરા નગરપાલિકાને આ ચૂંટણીમાંથી ચૂંટણી પંચે બાકાત રાખ્યુ છે.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગર પાલિકાને લઇને માહિતી સામે આવી રહી છે કે, ઉગ્ર વિરોધ અને આંદોલનને લઇને ચૂંટણી ટાળી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાનું થોડાક દિવસો પહેલા રાજ્ય સરકારે વિભાજન કર્યુ હતુ, ત્યારબાદ જિલ્લાના એકભાગને બનાસકાંઠામાં રાખ્યુ હતુ અને બીજા એક ભાગને વાવ થરાદ નામથી નવો જિલ્લો જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ ઉઠી હતી. જેને લઇને હજુ પણ વિરોધ ઉગ્ર જ સ્થિતિમાં છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી રાજ્ય ચૂંટણી પંચે ધાનેરાને બાકાત રાખ્યુ છે.
છેલ્લા 21 દિવસથી થઇ રહ્યા છે વિરોધ -
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે છેલ્લા 21 દિવસથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં વધાવત રાખવા આજે ધાનેરાવાસીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. અને તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જનઆક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના વેપારીઓએ દુકાનો બંધ રાખી આ બંધને સમર્થન પુરૂ પાડ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક રહીશો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
