સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! UPS પર પણ હવે NPS જેવા ટેક્સ બેનિફિટ્સ મળશે, સરકારની મોટી જાહેરાત
પારદર્શક અને કર-કાર્યક્ષમ વિકલ્પ દ્વારા નિવૃત્તિ સુરક્ષાને મજબૂત બનાવવા સરકારનું પગલું; 23 લાખ કર્મચારીઓને થશે ફાયદો.

- કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ને NPS માળખામાં સામેલ કરી, જે યુઝર્સને વધુ પસંદગીઓ આપે છે.
- UPS પસંદ કરનારાઓને હવે NPS જેવી જ તમામ કર રાહતો અને પ્રોત્સાહનો મળશે.
- નવી ભર્તી થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ UPS વિકલ્પ પસંદ કરી શકે છે.
- UPS થકી અંદાજે 23 લાખ કર્મચારીઓને વધુ પારદર્શક અને લવચીક નિવૃત્તિ વ્યૂહ મળી રહેશે.
- UPS ને અમલમાં મૂકવા માટે PFRDA એ 2025ના નવા રેગ્યુલેશન રજૂ કર્યા.
Unified Pension Scheme: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે નિર્ણય લીધો છે કે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ ઉપલબ્ધ કર લાભો હવે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) પર પણ લાગુ થશે, કારણ કે UPS ને NPS હેઠળ એક વિકલ્પ તરીકે અમલમાં મૂકવામાં આવ્યું છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ પગલું પારદર્શક, લવચીક અને કર-કાર્યક્ષમ વિકલ્પો દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નિવૃત્તિ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ સરકારનું બીજું મહત્વનું પગલું છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેની યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ને NPS હેઠળ એક વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવી છે. આ નિર્ણયના ભાગરૂપે, UPS પસંદ કરનારા કર્મચારીઓને હવે NPS હેઠળ ઉપલબ્ધ તમામ કર લાભો મળશે. આ જોગવાઈઓ હાલના NPS માળખા સાથે સમાનતા સુનિશ્ચિત કરે છે અને UPS પસંદ કરનારા કર્મચારીઓને પર્યાપ્ત કર રાહત અને પ્રોત્સાહનો પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે સૌપ્રથમ 24 ઓગસ્ટ, 2024 ના રોજ UPS વિકલ્પ રજૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ, નાણા મંત્રાલયના 24 જાન્યુઆરી, 2025 ના રોજના એક નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, 1 એપ્રિલ, 2025 થી કેન્દ્ર સરકારની સિવિલ સેવાઓમાં ભરતી થયેલા કર્મચારીઓ માટે NPS હેઠળ UPS ને એક વિકલ્પ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નોટિફિકેશન પછી, NPS હેઠળ આવરી લેવામાં આવતા સરકારી કર્મચારીઓને UPS માં જોડાવાનો એક વખતનો વિકલ્પ મળ્યો હતો.
આ માળખાને અમલમાં મૂકવા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ 19 માર્ચ, 2025 ના રોજ PFRDA (Operation of Integrated Pension Scheme under NPS) રેગ્યુલેશન્સ, 2025 ને સૂચિત કર્યા. આ UPS તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે જેઓ NPS ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે અને NPS હેઠળ આ વિકલ્પ પસંદ કરે છે. જાન્યુઆરી 2004 થી જૂની પેન્શન યોજના (OPS) બંધ થયા બાદ સરકારી કર્મચારીઓ માટે NPS રજૂ કરવામાં આવ્યું હતું. આ નવા વિકલ્પથી અંદાજે 23 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે, જેઓ હવે વધુ સારી નિવૃત્તિ સુરક્ષાનો લાભ લઈ શકશે.





















