ગુજરાતના આ શહેરમાં સ્થપાશે દેશનું પ્રથમ બુલિયન માર્કેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં કરી મોટી જાહેરાત
બજેટમાં તેમણે કહ્યું કે, હાલમાં વિદેશમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડીંગ માટે દેશનું પ્રથમ બુલિયન માર્કેટ ગુજારતના ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે.
ગાંધીનગરઃ વર્ષ 2022-23 માટેનુ અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રજુ કર્યું. કનુભાઈ દેસાઈએ આ બજેટમાં અનેક જાહેરાતો કરી છે તે પૈકી એક સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના વેપારને લઈને કરી છે. તેમણે બજેટમાં જાહેરાત કરી કે હવે ગુજરાતમાં દેશનું પ્રથમ બુલિયન માર્કેટની શરૂઆત કરવામાં આવશે. 2 લાખ, 43 હજાર 965 કરોડનું વર્ષ 2022-23 નું બજેટ હશે.
બજેટમાં તેમણે કહ્યું કે, હાલમાં વિદેશમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડીંગ માટે દેશનું પ્રથમ બુલિયન માર્કેટ ગુજારતના ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે. વૈશ્વિક કક્ષાની બેન્કિંગ, લીઝીંગ, ઇન્સ્યોરન્સ, ફાયનાન્સ અને આર્બીટ્રેશનની સુવિધાઓ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે, તેથી આવનારા દિવસોમાં ગુજરાત વૈશ્વિક નાણાકીય વ્યાપારનું પણ કેન્દ્ર બનશે.
આજના સોના-ચાંદીના ભાવ
સોનું અને ચાંદી આજે ફરી મોંઘા થયા છે અને તેની કિંમતોમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું ફરી રૂ. 52,000 પ્રતિ 10 ગ્રામના દરની નજીક જઈ રહ્યું છે અને ચાંદી રૂ. 68,000 પ્રતિ કિલોગ્રામની આસપાસના સંકેતો દર્શાવે છે.
જાણો આજના સોનાના ભાવ
સોના અને ચાંદીમાં આજે 250 રૂપિયાથી વધુની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. આજે, MCX પર સોનાનો એપ્રિલ વાયદો રૂ. 271.00 અથવા 0.53 ટકાના ઉછાળા સાથે રૂ. 51,565 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ રીતે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 51565 રૂપિયા થઈ ગઈ છે.
ચાંદીની કિંમતમાં પણ વધારો
આજે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી રૂ. 266 અથવા 0.40 ટકાના ઉછાળા પછી 67,229 પર ટ્રેડ કરી રહ્યું છે.