ભારતમાં 600થી વધુ ગેરકાયદેસર લોન આપતી મોબાઈલ એપ્સ ઉપલબ્ધ, RBIના રિપોર્ટમાં થયો ખુલાસો
ડિજિટલ લોન પર વિગતવાર અહેવાલ તૈયાર કરતી વખતે અને ભલામણો સૂચવતી વખતે, આરબીઆઈના કાર્યકારી જૂથને 1,100 થી વધુ લોન અથવા ક્રેડિટ એપ્લિકેશન્સ વિશે જાણ થઈ.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં ઓનલાઈન અથવા ડિજિટલ લોનની સુવિધા આપતી 600થી વધુ મોબાઈલ એપ્લિકેશન નકલી અથવા ગેરકાયદેસર છે. RBIના વર્કિંગ ગ્રૂપે એક રિપોર્ટમાં માહિતી આપી છે કે 600થી વધુ એપ્સ જે ઓનલાઈન પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સ દ્વારા ધિરાણ, લોન અથવા ક્રેડિટની સુવિધા આપે છે તે ગેરકાયદેસર છે. આ એપ્સ મોટે ભાગે અજાણ્યા લોકોને છેતરવા માટે વપરાતી અને દેશભરના ઘણા એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
ડિજિટલ લોન પર વિગતવાર અહેવાલ તૈયાર કરતી વખતે અને ભલામણો સૂચવતી વખતે, આરબીઆઈના કાર્યકારી જૂથને 1,100 થી વધુ લોન અથવા ક્રેડિટ એપ્લિકેશન્સ વિશે જાણ થઈ. લોન ઇન્સ્ટન્ટ લોન અને ક્વિક લોન જેવા કીવર્ડનો ઉપયોગ કરીને આ એપ્સ ઇન્ટરનેટ પર અથવા એપ સ્ટોર્સમાં શોધી શકાય છે. રિપોર્ટ અનુસાર, 01 જાન્યુઆરી, 2021થી 28 ફેબ્રુઆરી, 2021 સુધી આવી એપ્સ 81 એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ હતી.
આરબીઆઈ પેનલે ધ્યાન દોર્યું હતું કે રિઝર્વ બેંક દ્વારા રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCC) હેઠળ લોકો દ્વારા ફરિયાદો નોંધવા માટે સ્થાપિત પોર્ટલમાં ડિજિટલ ધિરાણ એપ્લિકેશન્સ સામેની ફરિયાદોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના જાન્યુઆરીથી આ વર્ષના માર્ચ મહિના સુધીમાં 2,562 ફરિયાદો મળી છે. મોટાભાગની ફરિયાદો RBI દ્વારા નિયંત્રિત સંસ્થાઓ જેમ કે NBFCs (નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની) અસંગઠિત સંસ્થાઓ અને વ્યક્તિઓ સિવાયની કંપનીઓ દ્વારા ધિરાણ આપતી એપને લગતી છે.
આ એપ્સને લગતી મોટાભાગની ફરિયાદો મહારાષ્ટ્રમાંથી મળી છે. તે પછી કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યોનો નંબર આવે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા 23 ડિસેમ્બર, 2020 ના રોજ એક અખબારી યાદીને પગલે, લોકોને અનધિકૃત ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન્સ સામે સાવચેત કરવામાં આવી હતી અને આવી એપ્લિકેશનો સામે ફરિયાદો નોંધવા માટે જાગૃતિ બનાવવામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં ફરિયાદોની સંખ્યામાં વધારો થયો હતો. આ દરમિયાન ડિસેમ્બર મહિનામાં કુલ ફરિયાદોમાંથી 35 ટકાથી વધુ ફરિયાદો આવી હતી.