Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
અદાલતો પર કેસોનો બોજ વર્ષ દર વર્ષ વધતો જાય છે. ક્યારેક તો લોકોની જિંદગી ખતમ થઈ જાય છે પરંતુ કેસ પેન્ડિંગ રહે છે. 11 ડિસેમ્બરે સંસદમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે, દેશભરની અદાલતોમાં 5 કરોડ 49 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં 90 હજાર 897 કેસ, દેશની 25 હાઈકોર્ટમાં 63 લાખ 63 હજાર 406 કેસ, નીચલી કોર્ટમાં 4 કરોડ 84 લાખ 57 હજાર કેસ પેન્ડીંગ છે. આ આંકડા 8 ડિસેમ્બર, 2025 સુધીના છે. કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટથી લઈને નીચલી અદાલતો સુધી પેન્ડિંગ કેસોનો બોજ સતત વધી રહ્યો છો.
તો બીજી તરફ દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ઓડિશા હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં એક માર્મિક ટકોર કરી કે, જો ન્યાયતંત્ર દ્વારા ગરીબોની ઉપેક્ષા કરવામાં આવશે તો ન્યાય વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. ન્યાયની સાચી પરીક્ષા કાયદાના જટિલ સિદ્ધાંતોમાં નહીં, પરંતુ સામાન્ય લોકોના દૈનિક અનુભવોમાં રહેલી છે. અદાલતોમાં વિલંબ અને મુકદ્દમાનો વધતો ખર્ચ ભારતની ન્યાયિક પ્રણાલી સામે સૌથી મોટો પડકાર છે.




















