(Source: ECI/ABP News/ABP Majha)
જનતાને વધુ એક મોંઘવારીનો માર, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ભારે વરસાદથી પાકને નુકશાન
પારીઓનુ માનવુ છે કે, શાકભાજીની આવક વધતા ફરી ભાવમા ઘટાડો નોંધાશે.
ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે અને મધ્યમવર્ગની જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. શાકભાજીના ભાવમાં 10થી 15થી ટકાનો ભાવ વધારો થયો છે.
છેલ્લા કેટલાંય દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપકપણે નુકશાન પહોચ્યુ છે. ખાસ કરીને શાકભાજીના પાકને વરસાદી પાણીથી નુકશાન થયું છે. આ ઉપરાંત કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી રસ્તા ધોવાયા છે આ કારણોસર વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેની અસર થઇ છે. શાકભાજીનો જથ્થો આવતો અટક્યો છે. અમદાવાદમાં એપીએમસી માર્કેટમાં શાકભાજી લઇને આવતી ટ્રકોની સંખ્યા ઘટી છે. આ તરફ શાકભાજીની આવક ઘટી છે. જયારે બીજ તરફ શાકભાજીની માંગ યથાવત છે પરિણામે ભાવ વધારો થયો છે. જોકે, વેપારીઓનુ માનવુ છે કે, શાકભાજીની આવક વધતા ફરી ભાવમા ઘટાડો નોંધાશે.
ખેડૂતોને નુકસાનની વળતરની માગ
અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં ખેતી નુકસાની અંગે તત્કાલ સર્વે કરાવવા ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું હોવાની કિસાન સંઘે રજૂઆત કરી છે.
કિસાન સંઘે કહ્યું એસડીઆરએફ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બંને યોજના હેઠળ સહાય મળવી જોઈએ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસંગતતા દૂર કરવા માગ કરી છે. કિસાન સંઘે દાવો કર્યો કે તાઉતે વાવાઝોડા વખતે રી સર્વે કરેલા કેટલાક કિસ્સાઓ માં હજુ સહાય મળી નથી. ખેડૂતોના અન્ય મહત્વના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તત્કાળ કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.
રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે. માછીમારોને 12 કલાક માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.