Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
zomato layoffs news: એક પોડકાસ્ટ દરમિયાન દીપિન્દર ગોયલે સ્પષ્ટતા કરી હતી કે કંપની દર મહિને આશરે 5,000 કામદારોને પ્લેટફોર્મ પરથી હટાવી દે છે.

zomato layoffs news: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં 25 અને 31 ડિસેમ્બર, 2025 ના રોજ થયેલી ગિગ કામદારોની હડતાળ વચ્ચે કંપનીના CEO દીપિન્દર ગોયલે ચોંકાવનારી માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કંપની દર મહિને હજારો ડિલિવરી પાર્ટનર્સ (Delivery Partners) ને નોકરીમાંથી કાઢી મૂકે છે. આ પાછળનું કારણ છેતરપિંડી અને કામચલાઉ નોકરીનું વલણ છે.
કેમ દર મહિને 5,000 લોકોને કાઢી મૂકાય છે?
એક પોડકાસ્ટ દરમિયાન દીપિન્દર ગોયલે (Dipendar Goyal) સ્પષ્ટતા કરી હતી કે કંપની દર મહિને આશરે 5,000 કામદારોને પ્લેટફોર્મ પરથી હટાવી દે છે. આ કડક પગલું મુખ્યત્વે છેતરપિંડી (Fraud or scam) જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવે છે. ઘણા કિસ્સામાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક ડિલિવરી પાર્ટનર્સ ઓર્ડર ગ્રાહક સુધી પહોંચાડ્યા વિના જ એપમાં 'ડિલિવર્ડ' માર્ક કરી દે છે. આ ઉપરાંત, કેશ-ઓન-ડિલિવરી ઓર્ડરમાં ગ્રાહકોને બાકીના પૈસા પરત ન કરવા જેવી ગંભીર ફરિયાદો પણ સામે આવે છે, જેના કારણે કંપનીએ આવા કામદારોને છૂટા કરવા પડે છે.
લાખો કામદારો કેમ સ્વેચ્છાએ પ્લેટફોર્મ છોડે છે?
માત્ર કંપની જ લોકોને નથી કાઢતી (Layoff), પરંતુ સામે ચાલીને પ્લેટફોર્મ છોડનારાઓની સંખ્યા પણ ઘણી મોટી છે. આંકડા મુજબ, દર મહિને 1,50,000 થી 2,00,000 ગિગ કામદારો (Gig Workers) સ્વેચ્છાએ કામ છોડી દે છે. ગોયલના મતે, મોટાભાગના લોકો આ કામને લાંબા ગાળાના કરિયર તરીકે જોતા નથી. ઘણા યુવાનો અથવા જરૂરિયાતમંદ લોકો ટૂંકા ગાળાની આર્થિક જરૂરિયાત સંતોષવા માટે જોડાય છે અને તેમનું લક્ષ્ય પૂરું થતાં જ તેઓ પ્લેટફોર્મ છોડી દે છે. આવા સંજોગોમાં આવનારા અને જનારા લોકોનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ બની રહે છે.
બ્લિંકિટની રેસ અને ઝોમેટોનો નફો
આ તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ ઝોમેટો આર્થિક રીતે મજબૂત સ્થિતિમાં છે. ગોયલે જણાવ્યું કે આવકની દ્રષ્ટિએ હવે ક્વિક કોમર્સ (Quick Commerce) પ્લેટફોર્મ 'બ્લિંકિટ' આગળ નીકળી ગયું છે, પરંતુ જ્યારે નફાની વાત આવે છે, ત્યારે ઝોમેટોનો ફૂડ ડિલિવરી બિઝનેસ હજુ પણ કંપની માટે સૌથી વધુ કમાણી કરતું સાધન છે. કંપની હવે હાઈપરપ્યુર અને ડિસ્ટ્રિક્ટ જેવા નવા સેગમેન્ટ દ્વારા પણ માર્કેટમાં પકડ જમાવી રહી છે.





















