Heavy Rain:દેશનાઆ રાજ્યમાં મૂશળધાર વરસાદના કારણે જળબંબાકાર, 66 લોકોના મોત, શિમલા-જોશીમઠમાં મકાન ધરાશાયી
દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. ક્યાં ભૂસ્ખલનના કારણે મકાન અને મંદિરો તૂટતા લોકો નીચે દટાયા તો ક્યાંક પૂરના પાણીમાં બધું જ જળમગ્ન બની ગયું છે.
Heavy Rain:હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનને કારણે 66 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રાહત કાર્ય માટે સેનાના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે મકાનો ધરાશાયી થયા છે. કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં 13 ઓગસ્ટથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે, 60 લોકોના મોત થયા છે. દરમિયાન, હવામાન વિભાગે વોર્નિગ આપી છે કે, હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ અને ઉત્તરાખંડમાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં રાહત કાર્ય માટે એરફોર્સનું હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં કાટમાળમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે
હિમાચલ પ્રદેશના શિમલામાં સમર હિલ પર સોમવારે ભૂસ્ખલનથી એક શિવ મંદિર તૂટી પડ્યું હતું. મંગળવારે તેના કાટમાળમાંથી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સોમવારથી બુધવાર સુધીમાં શિવ મંદિર નજીકથી કુલ 19 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે વધુ 10 મૃતદેહો દટાયા હોવાની આશંકા છે. શિમલામાં જ ભૂસ્ખલનની બીજી ઘટનામાં બુધવારે કાટમાળમાંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. શિમલાના કૃષ્ણા નગર વિસ્તારમાં ભૂસ્ખલનથી આઠ મકાનો ધરાશાયી થયા છે. એક સ્લોટર હાઉસ પણ ધરાશાયી થયું છે.
હિમાચલ પ્રદેશમાં બુધવારે પણ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગીએ જણાવ્યું હતું કે, NDRF અને સેનાએ પોલીસ અને SDRF સાથે મળીને મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે સમર હિલ પર બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. ભારે વરસાદ બાદ સોમવારે રાત્રે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે છ લોકોના મોત થયા છે
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે. રાજ્યમાં સોમવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. સાત હજુ પણ ગુમ છે. જોશીમઠમાં ભૂસ્ખલનના કારણે મકાનો ધરાશાયી થયા છે. દેહરાદૂન સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું કે પવાર નદીમાં પાણી ઘૂસી જતાં ઉત્તરકાશી જિલ્લાના અરકોટ વિસ્તારના ગામોમાં એક મહિલા તણાઇ ગઇ હતી. મંગળવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઋષિકેશના લક્ષ્મણ ઝુલા વિસ્તારમાં વરસાદી નાળામાંથી 14 વર્ષની બાળકી તેજસ્વિનીનો મૃતદેહ મળી આવ્યો છે. તેજસ્વિની તેની માતા અને ભાઈ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. કાર પાણીમાં વહી ગઈ હતી. તે ઋષિકેશના રાણી મંદિર વિસ્તારની રહેવાસી હતી. તેની માતા અને ભાઈની શોધો ખોળ હજુ ચાલુ છે.