Gujarat New CM: ગુજરાતમાં નવા મુખ્યમંત્રી નક્કી કરતાં પહેલાં ભાજપના ક્યા બે ટોચના રાષ્ટ્રીય નેતા રૂપાણીને મળ્યા ? કલાક લગી ચર્ચા
આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક ભાજપના પ્રદેશ મુખ્યાલય કમલમ ખાતે બોલાવાઈ છે. કમલમ જતાં પહેલાં બંને નિરીક્ષકોએ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો વચ્ચે ભાજપના કેન્દ્રીય નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી વિજય રૂપાણીને મળવા મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા.
આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક ભાજપના પ્રદેશ મુખ્યાલય કમલમ ખાતે બોલાવાઈ છે. કમલમ જતાં પહેલાં બંને નિરીક્ષકોએ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને ચર્ચા કરી હતી. ભાજપના કેન્દ્રીય નીરિક્ષકો એવા મોદી સરકારના મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી અંદાજે એક કલાક જેટલો સમય સીએમ હાઉસમાં રોકાયા હતા. ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રીપદના નક્કી કરેલા નામ અંગે તેમણે રૂપાણી સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે.
બીજી તરફ પ્રભારી ભુપેન્દ્ર યાદવ રાજભવનથી કમલમ જવા નિકળ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ પણ રાજભવનથી રવાના થયા હતા.
એબીપી અસ્મિતાના રીપોર્ટર્સના અહેવાલ પ્રમાણે, ભાજપ હાઈકમાન્ડે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીપદ આપીને બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. બે નાયબ મુખ્યમંત્રી પૈકી એક નાયબ મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી અને એક નાયબ મુખ્યમંત્રી અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજમાંથી હશે. આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા નાયબ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ કોને આપવું તે અંગે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો કરાયો છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યને અપાશે એવું કહેવાય છે.
ભાજપ ધારાસભ્ય દળની બપોરે 3 વાગ્યે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં આવી જવાની સૂચના આપી દેવાઈ છે.ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. નીતિન પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવતાં નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાટીદાર નેતાઓમાં નીતિન પટેલ સૌથી પ્રબળ દાવેદાર છે. આ માહોલમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરી હતી અને ઓલ ક્લીયર મળ્યા પછી જ નીતિન પટેલને કારમાં બેસીને જવા દેવાયા હતા.