ગુણવત્તા વગરના રોડ-રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોની ખેર નહીં, એક જ વર્ષમાં બનીને તૂટેલા રોડની ઓળખ કરવા CMનો આદેશ
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમા તૂટેલા રસ્તાઓનો મુદ્દો ચર્ચાયો હતો.

ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. રાજ્યમાં તૂટેલા રોડના કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમા તૂટેલા રસ્તાઓનો મુદ્દો ચર્ચાયો હતો. મુખ્યમંત્રીએ તૂટેલા રોડ અને રસ્તા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.રાજ્યમાં એક વર્ષ પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતાં લોકોમાં રોષ ફેલાયો છે.
રાજ્યમાં તૂટેલા રોડ-રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી હતી. ગુણવત્તા વગરના રોડ-રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તૂટેલા તમામ રોડ-રસ્તાનો સર્વે કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. સાથે સાથે એક જ વર્ષમાં બનીને તૂટેલા રોડની ઓળખ કરવા પણ તેમણે સૂચના આપી હતી. ગુણવત્તાના અભાવે તૂટેલા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગને ખરાબ રોડ-રસ્તા સત્વરે રીપેર કરવા પણ આદેશ આપ્યા હતા.
બીજી તરફ વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. જેની કેબિનેટમાં ચર્ચા કરાઈ હતી. ખેડૂતોને વળતર ચૂકવવા માટે પણ ચર્ચા કરાઈ હતી. મુખ્યમંત્રીએ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ઝડપથી મળે તે અંગે કેબિનેટની બેઠકમાં સૂચના આપી હતી. બનાસકાંઠા અને પાટણમાં વરસાદી પૂરને લઈને પણ ચર્ચાઓ કરાઈ હતી.
રાજ્ય સરકારની કેબિનેટમાં એક મંત્રી સતત ગેરહાજર રહ્યા હતા. બચુ ખાબડ સતત 20મી કેબિનેટમાં ગેરહાજર રહ્યા હતા. ખાબડ 23 એપ્રિલથી એક પણ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા નથી. ખાબડ કેમ હાજર નથી રહેતા તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. ખાબડને કેબિનેટમાં ઉપસ્થિત ન રહેવા સૂચના અપાયાની ચર્ચા ચાલી રહી મંત્રી નિવાસ કે કાર્યાલયમાં પણ ખાબડ આવતા નથી. ખાબડના દીકરાઓ પર મનરેગા કૌભાંડનો આરોપ છે.
પ્રદેશ ભાજપની મહત્વની બેઠક
18 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો બેઠકમાં હાજર રહેશે. તમામ જિલ્લા-મહાનગરોના પ્રમુખ, પ્રભારી, જિ.પંચાયતના પ્રમુખ, મહાનગરોના મેયર, તમામ મહાનગરોના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહેશે. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચાલશે.





















