Gandhinagar: કામના દિવસોમાં ગુલ્લી મારતા તલાટી કમ મંત્રીઓ સામે સરકારે કરી લાલ આંખ, જાણો શું આપ્યો આદેશ
ગાંધીનગર: ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની ગેરહાજરી સરકારના ધ્યાનમાં આવતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વિકાસ કમિશનર દ્વારા આ અંગે કેટલીક સુચનાઓ આપવામાં આવી છે.
ગાંધીનગર: ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની ગેરહાજરી સરકારના ધ્યાનમાં આવતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વિકાસ કમિશનર દ્વારા આ અંગે કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. ગ્રામ પંચાયતના તલાટી કંમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે ખુબ જ મહત્વની કડી છે. તલાટી કમ મંત્રીઓ હાજર નહિ રહેતા સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવામાં મુશ્કેલી પડી રહી છે. હવેથી તલાટી કમ-મંત્રીએ સરકારના કામકાજના દિવસોમાં રજા પર જતા પહેલા જે તે તાલુકા વિકાસ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી પડશે. અનિવાર્ય કારણોસર સેજામાં હાજર રહી શકે તેમ ન હોય તો તેઓએ તે અંગેની જાણ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને તે જ દિવસે કરવાની રહેશે.
વિકાસ કમિશનરે બહાર પાડેલો પરિપત્ર
સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે, ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખુબજ અગત્યની ફરજ બજાવતા હોવાથી, ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યક્ષ હાજરી અત્યંત અનિવાર્ય છે.
તલાટી-કમ-મંત્રીની સંબંધિત ગ્રામ્ય પંચાયતો ખાતેની ગેરહાજરીના કારણે, ગ્રામજનોના રોજબરોજના સરકારી કામો અને સરકારની વિવિધ યોજનાઓના લાભ ગ્રામજનોને સમયસર મળવામાં વિલંબ થવા બાબતે રજુઆતો થયેલ છે. પ્રસ્તુત રજૂઆતોમાં, તલાટી-કમ-મંત્રી એક કરતા વધુ સેજાનો હવાલો ધરાવતા હોઇ, તેઓ અમુક સેજા ખાતે ઉપલબ્ધ ન થતા હોવાનું કારણ પણ સરકારનાં ધ્યાને આવેલ છે.
તલાટી કમ મંત્રીની નિયમિતતા જળવાય અને ગ્રામજનોનાં સરકારી કામોનો સમયસર નિકાલ થાય તે માટે પંચાયત વિભાગ તેમજ વિકાસ કમિશનરની કચેરી દ્વારા અગાઉ અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. આમ છતાં અનુભવે જણાયેલ છે કે, કેટલાંક કેસોમાં તલાટી કમ મંત્રીની અનિયમિતતા બાબતે વડી કચેરી તથા વિભાગ કક્ષાએ રજુઆતો મળવામાં છે. જે બાબત ધ્યાને લઈને, તલાટી કમ મંત્રીની ફરજ ઉપરની નિયમિતતા જળવાઈ રહે તે બાબતે અગાઉ અપાયેલ સૂચનાઓનું પાલન કરવા તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં પત્ર નં.PRHRDD/0175/03/2023, તા.૨૭/૦૩/૨૦૨૩થી જણાવ્યાનુસાર નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે.
૧. દરેક તલાટી-કમ-મંત્રીએ સરકારી કામકાજના દિવસો દરમ્યાન રજા પર જતા પહેલાં, સંબંધિત તાલુકા વિકાસ અધિકારીની પુર્વમંજુરી મેળવવાની રહેશે. તેમજ તેઓની ગેરહાજરીનાં કારણે ગ્રામ પંચાયતોનો વહીવટ ખોરંભે ન પડે તે માટે, વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નજીકના સેજાના તલાટીને તે જ દિવસે ચાર્જ સોંપવા બાબતે તાલુકા વિકાસ અધિકારી નશ સત્વરે કાર્યવાહી કરવાની રહેશે.
ર. તલાટી-કમ-મંત્રી અનિવાર્ય કારણોસર સેજામાં હાજર રહી શકે તેમ ન હોય તો, તેઓએ તે અંગેની જાણ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને તે જ દિવસે કરવાની રહેશે.
3. એક કરતા વધુ સેજા ખાતે તલાટી-કમ-મંત્રી ફરજ બજાવતા હોય તો, સરકારી કામકાજના અઠવાડીક દિવસો અને ફાળવવામાં આવેલ સેજાના અનુપાતમાં દરેક સેજા ઉપર સરકારી કામકાજ માટે ઉપલબ્ધ રહેવાનુ રહેશે. એટલે કે, કોઈ એક તલાટી-કમ-મંત્રીને ૩(ત્રણ) ગ્રામ પંચાયત ખાતે ફરજ સોંપવામાં આવેલ હોય અને અઠવાડીયામાં ૬(છ) કામકાજના દિવસો આવતાં હોય તો, તેઓએ અઠવાડીયામાં ૨(બે) દિવસ દરેક સેજા ખાતે હાજર રહી સરકારી કામકાજ કરવાનું રહેશે.
૪. જે અંગેનું સમયપત્રક દિવસવાર ત્રણેય ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર સ્પષ્ટપણે વાંચી શકાઈ તે રીતે પ્રદર્શિત કરવાનું રહેશે. અને તેની જાણ સરપંચ અને સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહે છે.
૫. તલાટી-કમ-મંત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઉક્ત પત્રક મુજબ તેઓ જે-તે સમયે સંબંધિત સેજા ખાતે ઉપલબ્ધ રહે છે કે કેમ? તે અંગે સંબંધિત તાલુકા પંચાયત કચેરી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી/ મ.તા.વિ.અ. વિસ્તરણ અધિકારી(ખેતી/સહકાર/પંચાયત) અને અધિક મદદનીશ ઇજનેર દ્વારા ગામની આકસ્મિક મુલાકાત લેવાની રહેશે. તેઓની મુલાકાત સંબંધિત એક રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે. તલાટી કમ મંત્રી દ્વારા નિભાવવામાં આવતા અવર-જવર પત્રકની ચકાસણી કરીને તે ઉપર તેમની સહી કરવાની રહેશે.
• મુલાકાત દરમ્યાન તલાટી-કમ-મંત્રી તેઓની ફરજ પર ગેરહાજર જણાય તો, પ્રથમ વખત તલાટી-કમ-મંત્રીશ્રીને તાકીદ આપી તેઓની જમા રજામાંથી રજા કપાત કરવાની રહેશે અને જો તેઓના ખાતામાં(સિલક) રજા ઉપલબ્ધ ના હોય તો, તેઓની બીન પગારી રજા કરવાની રહેશે.
• જ્યારે બીજી વખત આ અંગે પુનરાવર્તન થાય તો, તેઓને કારણદર્શક નોટીસ આપી, ખુલાસો મેળવી, જરૂર જણાય તો તેઓની સામે શિસ્ત વિષયક કાર્યવાહી સત્વરે હાથ ધરવાની રહેશે. સંબંધિત તાલુકા પંચાયત કચેરીના અધિકારી/કર્મચારી દ્વારા તલાટી-કમ-મંત્રીની હાજરી બાબતે લેવામાં આવેલ આકસ્મિક મુલાકાત સબબ નિભાવેલ રજીસ્ટરની તારીજ પ્રત્યેક માસની ૧૫(પંદર) અને ૩૦(ત્રીસ) તારીખે જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીએ આ વિગતો ધ્યાને લઈને, તેની ચકાસણી કરીને તલાટી-કમ- મંત્રીની ગેરહાજરીની બાબત ધ્યાને આવે તો, સંબંધિત તલાટી-કમ-મંત્રીશ્રી સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો વિકાસ કમિશ્નરની કચેરીને પણ સમયાંતરે મોકલી આપવાની રહેશે.
આમ, ઉક્ત સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની જિલ્લા કક્ષાએથી જોવાનું રહેશે. જિલ્લા વિકાસ અધિકારીઓએ વિભાગ કક્ષાએથી મળેલ ઉક્ત સૂચનાઓ તથા સંબંધિત જિલ્લાઓ માટે અન્ય પરીબળો ધ્યાને લઈને આ સૂચનાઓ ઉપરાંત અન્ય કોઈ વધારાની સૂચના ઉમેરવાની જરૂર જણાય તો તે મુજબની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial