GANDHINAGAR : ભાટ ગામ નજીક કાફેમાં યુવાધનને કૂકીઝમાં પીરસાતું હતું ડ્રગ્સ, કાફે માલિક અને ડ્રગ પેડલરની ધરપકડ
Gandhinagar News : ભાટ ગામ નજીક આવેલા ચુલા ચીકન કાફે પર ATSએ રેડ કરી મોટી કાર્યવાહી કરી છે.
Gandhinagar : રાજ્યની પોલીસે યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ સામે ધોંસ બોલાવી છે, ત્યારે હવે ડ્રગ્સના માફિયાઓએ યુવાધનને બરબાદ કરવા નવતર કીમિયો અપનાવ્યો છે. જો તમારા સંતાનો મોડીરાત સુધી બહાર ફરતા હોય તો ચેતી જજો. આ સમાચાર તમારા માટે છે.ક્યાંક તમારા સંતાનો તો રાત્રીના આઉટિંગ અને લોંગ ડ્રાઈવ કે પછી કુકીઝ ખાવા જવાના બહાના બતાવી બહાર જતા હોય તો સતર્ક થઈ જજો.કારણ કે ગુજરાત ATSએ એક આવા જ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
કુકીઝમાં પીરસાતું હતું ડ્રગ્સ
ગાંધીનગરના ભાટ ગામ નજીક આવેલા ચુલા ચીકન કાફેમાં કુકીઝમાં ડ્રગ પીરસાતું હોવાની માહિતીના આધારે મોડીરાત્રીના દરોડા પાડ્યા. તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. કારણ કે અહીં યુવાઓને પીરસાતી હતી કુકીઝ..પરંતું અંદર તપાસ કરી તો સામે આવ્યુ કે કુકીઝમાં THC અને CBC નામનો પદાર્થ ભેળવવામાં આવતો હતો. જેનો સામાન્ય રીતે ઉપયોગ નશા માટે થતો હોય છે.
પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે યુવાઓ અહીં કુકીઝની મજા માણવા આવી રહ્યા છે.પરંતું કુકીઝની આડમાં મજા તો ડ્રગ્સની માણી રહ્યા છે.ગુજરાતના યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ માફિયાઓએ હવે નવતર પ્રયોગ હાથ ધર્યો.
કાફે માલિક અને ડ્રગ પેડલરની ધરપકડ
પોલીસે સ્થળ પરથી ચુલા ચીકનના સંચાલક જયકિશન ઠાકુર અને તેના બિઝનેસ પાર્ટનર કમ ડ્રગ્સ પેડલર અંકિતસિંહ નામના વ્યકિતની ધરપકડ કરી છે.ડ્રગ્સની સાથોસાથ કેટલોક ચરસનો જથ્થો પણ મળી આવ્યો. પોલીસે હાલ બંનેની ધરપકડ કરી આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને ડ્રગ્સ ક્યાંથી આવતું હતું અને અન્ય કોણ- કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ATSએ કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?
ગુજરાત ATSએ ગાંધીનગરમાં અડાલજ વિસ્તારમાં ભાટ ટોલનાકા પાસે આવેલા ચૂલા ચીકન કાફેમાં રેડ કરી હતી. ATSએ ચૂલા ચિકન કાફેને કોર્ડન કરી કાફે માલિકની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી જય કિશન પાસેથી એક ખાખી બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સમાં નાની નાની ડબ્બીઓમાં પીળા કલરનો ઘટ્ટ પદાર્થ મળી આવ્યો હતો.
બીજી એક આછા ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી કૂકીઝ મળી આવ્યાં હતા. આરોપી અંકિત કુલ્હારી પાસેથી કાળા રંગના ત્રણ લાડુ મળી આવ્યાં હતા.
ATSએ સ્થળ પર FSLની ટીમ બોલાવી આ તમામ શંકાસ્પદ પદાર્થોની તપાસ કરવામાં આવતા આ પદાર્થોમાંથી કેનેબીજ અને નશીલા પદાર્થ જોવા મળ્યાં હતા. પોલીસે 294 ગ્રામ વજનના માદક પદાર્થો સાથે કાફે માલિક અને ડ્રગ પેડલરની ધરપકડ કરી છે.