સરકારી કચેરીઓમાં બેદરકારીનો એબીપી અસ્મિતાએ કર્યો પર્દાફાશ, અધિકારીઓની ગેરહાજરીમાં AC ઓન જોવા મળ્યા
વીજળીની માંગ વચ્ચે સરકારી કચેરીમાં વીજળીનો વ્યય જોવા મળ્યો હતો

વીજળીની માંગ વચ્ચે સરકારી કચેરીમાં વીજળીનો વ્યય જોવા મળ્યો હતો. એબીપી અસ્મિતાએ અમદાવાદ કલેક્ટર કચેરીમાં રિયાલિટી ચેક કર્યું હતું. સરકારી અધિકારીઓ આવે તે પહેલા ઓફિસોમાં લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. અગાઉ મુખ્યમંત્રી પણ વીજળી બચાવવાની અપીલ કરી ચૂક્યા છે.
વીજળીની માંગમાં વધારા વચ્ચે સરકારી અધિકારીઓની બેદરકારીનો મોટો પર્દાફાશ થયો હતો. ઊર્જા-પેટ્રોકેમિકલ વિભાગમાં જ વીજળીનો બેફામ વ્યય જોવા મળ્યો હતો. શ્રમ-કૌશલ્ય-રોજગાર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની ઓફિસમાં 3 AC ચાલુ ઓન જોવા મળ્યા હતા. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિકારીઓની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં બે એસી ઓન કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં એપ્રિલના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. આકાશમાંથી રીતસર આગ વરસી રહી છે. આ વચ્ચે વીજળીની ડિમાન્ડમાં પણ જબરદસ્ત વધારો થયો છે. એપ્રિલ મહિનાના પ્રથમ 10 દિવસમાં જ ગુજરાતમાં વીજળીની માંગ 25 હજાર મેગાવોટને પાર થઈ ચૂકી છે. ગત વર્ષે ગુજરાતમાં સૌથી વધારે 25 હજાર 500 મેગાવોટ જેટલી વીજ માંગ જૂન મહિનામાં નોંધાઈ હતી. જોકે ચાલુ વર્ષે આ રેકોર્ડ એપ્રિલમાં તૂટતા તૂટતા બચી ગયો હતો.
જો ગરમીનો આટલો જ આકરો પ્રકોપ રહ્યો તો એપ્રિલ મહિનામાં જ ગુજરાતની વીજ માંગ વધીને 26 હજાર 500 મેગાવોટ સુધી પહોંચવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રથમ નવ દિવસ અને એપ્રિલ મહિનાના પ્રથમ નવ દિવસની સરખામણી કરવામાં આવે તો એપ્રિલ મહિનાના પાંચ દિવસ એવા છે કે જ્યારે માર્ચ મહિનાની સરખામણીએ રાજ્યની વીજ માંગ 2 હજાર મેગાવોટ કરતા વધારે રહી હતી. તેમાં પણ આઠ એપ્રિલે તો વીજ માંગ વધીને 25 હજાર 321 મેગાવોટ પર પહોંચી ગઈ હતી. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે તેના એક દિવસ પહેલા એટલે કે સાત એપ્રિલના વીજ માંગ 25 હજાર 283 મેગાવોટ રહી હતી.





















