Gandhinagar: હથિયાર ભરેલી કારનો માલિક સકંજામાં,જાણો શું થયો મોટો ખુલાસો ?
ગાંધીનગરના સરગાસણમાં આવેલ ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી બિનવારસી કારમાંથી રિવોલ્વર, દેશી કટ્ટા અને જીવતા કારતૂત મળી આવ્યા હતા.

ગાંધીનગર: ગાંધીનગરમાંથી હથિયાર ભરેલી કારના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગરના સરગાસણમાં આવેલ ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી બિનવારસી કારમાંથી રિવોલ્વર, દેશી કટ્ટા અને જીવતા કારતૂત મળી આવ્યા હતા. હથિયારો ભરેલી કારના કેસમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર પટેલને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી લીધો છે. રેન્જ આઇજી અભય ચુડાસમાના જણાવ્યા મુજબ આરોપી જીતેન્દ્ર પટેલ અગાઉ 3 હત્યા કરી ચૂક્યો છે. હથિયારથી હત્યા કરવાની ટેવ ધરાવતો આરોપી છે. એક સગીરાના અપહરણનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા હથિયાર સાથે એક એક વખત પકડવામાં આવેલો છે.

ગાંધીનગર પોલીસ દ્વારા બિનવારસી ગાડીમાં મળેલા મુદ્દામાલમાં ધર્માદાની એક પાવતીમાં જીતેન્દ્ર પટેલનું નામ લખેલું હોવાનું સામે આવતા આ ધર્માદા પાવતીના આધારે જીતેન્દ્ર પટેલની તપાસ કરતા સમગ્ર ગુનો ઉકેલવામાં આવ્યો છે.
ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં આવેલા એફોર્ડ ફ્લેટના પાર્કિંગમાં બિનવારસી એક કારમાં તપાસ કરતા પોલીસે 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાંથી મળી આવેલા હથિયારની તપાસમાં પોલીસે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. જીતેન્દ્ર પટેલે વર્ષ 2019માં મધ્યપ્રદેશથી આ હથિયાર ખરીદ્યા હતા. જે હથિયાર 2023 આજના દિવસે પકડાયા હોવાનું સામે આવ્યું છે. જોકે જીતેન્દ્ર પટેલે ક્યા હેતુથી હથિયાર ખરીદ્યા હતા તે અંગે પોલીસે હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી.
પોલીસની તપાસમાં એ બાબત સામે આવી હતી કે જીતેન્દ્ર પટેલ સાબરમતી જેલમાં હતો ત્યારે રાજુ ભાઉ નામના આરોપીના સંપર્કમાં આવ્યો હતો અને તેના માધ્યમથી મધ્યપ્રદેશથી આ હથિયારો તેણે મેળવ્યા હતા. લાંબા સમયથી સરગાસણના સ્વાગત એફોર્ડ નામના અપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ ગાડી પડી હતી અને હથિયાર પણ અંદર હતા. જે સોમવારે પોલીસે કબજે કર્યા હતા અને ગણતરીના કલાકોમાં અમદાવાદથી જીતેન્દ્ર પટેલ નામના રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે.





















