Gandhinagar: આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઈ- વિધાનસભાનો કરાવશે પ્રારંભ, ચાર દિવસીય સત્રમાં 9 બિલ લાવશે સરકાર
Gujarat Assembly session: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે, આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે અને આયુષ્યમાન ભવઃ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. તેઓ વિધાનસભામાં સંબોધન કરશે અને રાજભવનથી ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે. અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ ગૃહમાં હાજર ધારાસભ્યોને રાષ્ટ્રપતિ મૂર્મુ સંબોધન કરશે. બાદમાં વિધાનસભાની ચાર દિવસીય કામગીરીનો પ્રારંભ થશે. તો રાષ્ટ્રપતિ આજે આયુષ્યમાન ભવઃ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. ચાર દિવસીય સત્રમાં સરકાર 9 બિલ લાવશે. તો દરરોજ 1 કલાકની પ્રશ્નોત્તરી રહેશે. સરકાર ગૃહમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ કરશે.
Digital Legislative Assembly of Gujarat realizing the concept of "One Nation, One Application" of Hon’ble PM Shri @NarendraModi ji. pic.twitter.com/3I7K7McOw3
— Shankar Chaudhary (@ChaudhryShankar) September 11, 2023
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના ગૃહમાં સંબોધન દરમિયાન ધારાસભ્યો ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો ગૃહમાં ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો, રાજ્યના ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો, રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા તરફથી આ તમામ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના સંબોધન માટે તમામ ધારાસભ્યોને સવારે 9 કલાકે ગૃહમાં ઉપસ્થિત થવા અધ્યક્ષ શંકર ચૌધરીએ અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિ સવારે 10 કલાકે ગૃહમાં ઉપસ્થિત થશે. ડિજિટલ વિધાનસભાના ઉદ્ઘાટન અને સ્વાગત વિધિ બાદ રાષ્ટ્રપતિ ગૃહને સંબોધશે. રાજભવન ખાતે રાષ્ટ્રપતિ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું લોકાર્પણ કરશે.
એપ્લિકેશન લોન્ચ થયા બાદ ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આ માટે ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ પણ લગાવવામાં આવ્યાં છે. હવે ગૃહમાં ધારાસભ્યો પેન-કાગળથી નહીં પરંતુ ટેબલેટથી સવાલ પૂછીને તેમના વિસ્તારના મુદ્દાઓ ઉઠાવશે. તમામ સ્થળોની સંપૂર્ણ વિગતો ટેબલેટમાં રેકોર્ડ કરવામાં આવશે. તેના અમલીકરણ સાથે ગૃહ સંપૂર્ણ રીતે ઓનલાઈન થઈ જશે.
વિધાનસભાને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું
પેપરલેસ બનાવવા માટે વિધાનસભાને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું છે. આ માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરવા અંગે તાલિમ પણ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ગુજરાત ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવશે.. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે.