શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાં ઉત્તર ગુજરાતના આ બે નેતાના સમાવેશથી જોરદાર આશ્ચર્ય, જાણો કોણ છે આ બે નેતા ?
ભાજપે જે યાદી જાહેર કરી તેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે. આ ચૂંટણી માટે ભાજપે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે અને તેમાં ભાજપના 20 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયો છે. ભાજપે જે યાદી જાહેર કરી તેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, તથા ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા પણ યાદીમાં છે. ગુજરાત સરકારના પ્રધાનો પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, અને કુંવરજી બાવળિયા પણ યાદીમાં છે. આઈ કે જાડેજા, જસવંતસિંહ ભાભોર, નરહરી અમિન, શંભુપ્રસાદ ટુંડિયા, જ્યોતિબેન પંડ્યા, રણછોડ રબારી અને અલ્પેશ ઠાકોર પણ યાદીમાં છે. આ યાદીમાં અલ્પેશ ઠાકોર અને રણછોડ રબારીનો સમાવેશ આશ્ચર્યજનક છે. અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવા છતાં ઠાકોર મતદારોને આકર્ષવા તેમને સ્ટાર પ્રચારક બનાવાયા છે. રણછોડ રબારી પાટણના છે અને તેમને પણ ઉત્તર ગુજરાતના રબારી સમાજના મતદારોને આકર્ષવા સ્ટાર પ્રચારક બનાવાયા હોવાનું મનાય છે.
વધુ વાંચો





















