(Source: Poll of Polls)
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં લોકડાઉન અંગે ગુજરાત સરકારે લીધો બહુ મોટો નિર્ણય, જાણો વિગત
આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે લૉકડાઉનને કારણે બંધ કરાયેલી દુકાનો રવિવારથી શરૂ કરવાની મંજૂરી આપી હતી પણ પછી રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ મંજૂરી પાછી ખેંચી લેવાઈ છે. રાજ્યનાં આ ચાર મહાનગરોમાં લોકડાઉનમાં કોઈ છૂટ નહીં આપવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.
ગુજરાતના મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એ ચાર મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી અપાઈ. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે અને માત્ર આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે. આ ચારેય મહાનગરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી.
આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે, ચારેય મહાનગરોમાં 3 મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. રાજ્યના અન્ય વિસ્તારોમાંરવિવારથી વ્યાપારીઓ દુકાનો શરૂ કરી કરવાની મંજૂરી મળી છે પણ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કની શરતનું પાલન કરવું પડશે.
અગાઉ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરી દુકાનો શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી પણ છ વિસ્તારોમાં દુકાનો શરૂ નહી કરી શકાય તેવી જાહેરાત કરાઈ હતી. હવે સમગ્ર અમદાવાદમાં હમણાં દુકાનો નહીં ખૂલે. 3 મે સુધી લોકડાઉન છે અને ત્યાં સુધી ચારેય મહાનગરોમાં દુકાન ખોલવાની મંજૂરી નથી અપાઈ. એ પછી શું કરવું તે અંગે રાજ્ય સરકાર પછી નિર્ણય લેશે.