(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારના નિર્ણય પહેલા ભાજપના નેતાએ ધો-12ની પરીક્ષા રદ થયાની કરી નાંખી જાહેરાત, જાણો કોણ છે આ નેતા?
ભાજપના દિગ્ગજ નેતા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ધોરણ-12ની પરીક્ષાને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
ગાંધીનગરઃ અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ પછી ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા લેવી કે નહીં, તે અંગે જાહેરાત થવાની છે. જોકે, સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ભાજપના નેતા દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
ભાજપના દિગ્ગજ નેતા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ધોરણ-12ની પરીક્ષાને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે. જોકે, આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી દીધું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ધોરણ 12ની પરીક્ષા CBSC દ્વારા રદ કરાયા બાદ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાઇ શકે છે. આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 12 ની પરીક્ષા સંદર્ભે ચર્ચા થશે. જો કે ગઇ કાલે જ બોર્ડ દ્વારા પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે.
કેબિનેટ બેઠકમાં કંટ્રોલમાં આવી રહેલા કોરોના અને કોરોનાની ત્રીજી વેવના સંદર્ભ ચર્ચા વિચારણા થશે. ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશનના કાર્યક્રમ સંદર્ભે વધુ જિલ્લાઓને ઉમેરવા અને ખાસ કરીને 18 થી ૪૪ વર્ષના વય જૂથને ઝડપથી વેક્સિનેશન માટે પણ ચર્ચા કરાશે.
મ્યુકરમાઇકોસીસની સારવાર માટેની ગાઈડલાઈન સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. એટલું જ નહીં, 4 તારીખે પુરા થઇ રહેલા રાત્રી કર્ફ્યુના જાહેરનામાં તેમજ રાજ્યમાં મંદિરો ખોલવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. ૬ જુનથી રાજ્યમાં શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્ર સંદર્ભે ચર્ચા વિચારણા કરીને ગાઇડ લાઇનને આખરી ઓપ આપી જાહેર કરવા સંદર્ભે ચર્ચા થશે.