(Source: ECI/ABP News/ABP Majha)
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં ક્યા 8 કેબિનેટ કક્ષાના મંત્રી હશે ? નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાશે કે નહીં ?
ભાજપનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં માત્ર 8 મંત્રીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાશે.
અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે પણ હજુ તેમના મંત્રીમંડળની શપથવિધી બાકી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતની મુલાકાતે આવી જતાં તેમની સાથે મંત્રણા પછી હવે મંત્રીમંડળની રચના અંગે કેન્દ્રીય નીરિક્ષકો અને પ્રદેશના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કોણ કોણ હશે તેની અટકલો જોરશોરથી ચાલી રહી છે ત્યારે ભાજપનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં માત્ર 8 મંત્રીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાશે. આ કેબિનેટ મંત્રીઓમાં નીતિન પટેલ, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા, દિલિપ ઠાકોર, ઇશ્વર પટેલ, આર.સી.ફળદુ અને રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ પૈકી નીતિન પટેલ, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા, દિલિપ ઠાકોર, ઇશ્વર પટેલ, આર.સી.ફળદુ વિજય રૂપાણી મંત્રીમંડળમાં હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તેથી સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બનાવાય એવી પૂરી શક્યતા છે.
ગુજરાતના એક ટોચના અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની તક ગુમાવનારા નિતિન પટેલને નાયબ મુખ્યમંત્રીપદ નહીં અપાય પણ કેબિનેટ મંત્રીની ઓફર કરાશે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીપદને બદલે માત્ર કેબિનેટ મંત્રીપદ સ્વિકારશે કે કેમ તે અંગે શંકા છે. નીતિન પટેલને સરકાર કે સંગઠનમાં શું જવાબદારી આપવી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે એવો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.
ગુજરાતમાં ગઈ કાલે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. હવે નવા મંત્રી મંડળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16મી સપ્ટેમ્બરે નવા મંત્રીઓ શથથ લેશે, તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
એટલું જ નહીં, એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ભુપેન્દ્ર પટેલના મંત્રમંડળનું માળખું તૈયાર થઈ ચૂક્યું છે. હવે 16મી સપ્ટેમ્બરે કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે, તે સામે આવી જશે. મળતી વિગતો પ્રમાણે, નવા મંત્રી મંડળમાં 12 નવા ચહેરાઓને સ્થઆન મળી શકે છે. જ્યારે કેટલાક મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં, કયા મંત્રીને કયું ખાતું મળે છે, તેના પર સૌની નજર છે.
કચ્છમા વાસણ આહીરના સ્થાને નીમાબેન આચાર્યને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે બેઠક કરવાના છે. ભાજપના તમામ ધારાસભ્યોને આવતી કાલે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નીતિન પટેલ તૈયાર થશે, તો તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે. જ્યારે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને પડતા મુકાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. કુંવરજી બાવળીયા અને સૌરભ પટેલને પણ પડતા મુકાય તેવી શક્યતા છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલનું પણ પત્તુ કપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આજે સાંજ સુધીમાં નવા મંત્રીઓના નામ જાહેર થઈ શકે છે. ત્યારે હવે સૌની નજર નવા મંત્રીઓના નામો પર મંડાયેલી છે. આ નામો જાહેર થયા પછી જ ખબર પડશે કે, કોને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જ્યારે કોનું પત્તુ કપાયું છે. એટલું જ નહીં, કયા નવા ચહેરાને સ્થાન મળે છે, તે પણ નામો જાહેર થયા પછી ખબર પડશે.