આજે નવા મંત્રીમંડળમાં કોને કોને મળશે મોકો? ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ હશે?
ધારાસભ્યોને તમામ તૈયારીઓ સાથે આવવા માટે સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે, તેમને ફોનથી સૂચના આપવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈને ફોન આવ્યા ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાટીલના નિવાસસ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ધારાસભ્યોને તમામ તૈયારીઓ સાથે આવવા માટે સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે, તેમને ફોનથી સૂચના આપવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈને ફોન આવ્યા ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, ગઈ કાલે જ જે મંત્રીઓને પડતા મુકવાને છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી પૂરી શક્યતા છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હોઇ શકે છે તેમજ મંત્રીઓને શપથવિધિ પછી આજે જ ખાતાઓની ફાળવણી થાય તેવી સંભાવનાઓ છે. સૂત્રોના મતે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા મળી શકે છે. અનુભવી ધારાસભ્યો અને કેટલાક નવા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે.
જેમના મંત્રી તરીકે નામ પાક્કા માનવામાં આવી રહ્યા છે, તેમની વાત કરીએ તો જીતુ વાઘાણી, ગોવિંદ પટેલ, રાકેશ શાહ, મનીષાબેન વકીલ, અરવિંદ રૈયાણી, હર્ષ સંઘવી, દેવાભાઈ માલમ, વિજય પટેલ, હિતુ કનોડિયા, આત્મારામ પરમાર, કનુભાઈ દેસાઇ, ડો.નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ, કિરીટસિંહ રાણા, મોહનભાઈ ઢોડિયા, કેતન ઇનામદાર, ઋષિકેશ પટેલ, શશિકાંત પંડ્યા અને ગોવિંદભાઈ પરમારના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. જોકે, શપથવિધિમાં જ સાચા નામા જાણવા મળશે.